ચોથી જાન્યુઆરીથી હિમવર્ષા અને વરસાદ પડશે
નવી દિલ્હી, દેશમાં ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવે સ્થિતિ એવી છે કે પૂર્ણ થતાં અને નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત માટે આ બન્ને દિવસો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કર્યું છે. આવી સ્થિતિમાં ઉત્સવનો ઉત્સાહ મંદ થવાની પૂરેપૂરી સંભાવના છે.
આની સાથે સાથે હવામાન વિભાગે ચાર જાન્યુઆરીની રાત્રિથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં આશરે ચાર દિવસ સુધી વરસાદ પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ વણસે તેવી પૂરેપૂરી સંભાવના છે.
હવામાન વિભાગે જારી કરેલા અપડેટ્સ મુજબ ૩૦ ડિસેમ્બરની મોડી રાત્રિના કલાકો દરમિયાન હરિયાણા, પંજાબ અને ચંડીગઢના ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી અપેક્ષા છે. આ ગાળામાં રાજસ્થાનના અનેક ભાગોમાં આકરી ઠંડી પડે તેવી સંભાવના છે.
આઇએમડીએ ઠ પર લખ્યું છે કે ‘તાજેતરના સેટેલાઇટ ઇમેજિસમાં દક્ષિણ જમ્મુ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ અને દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ હિમાચલ પ્રદેશ, દક્ષિણ ઉત્તરાખંડ, દક્ષિણ પશ્ચિમ બિહાર, પશ્ચિમ ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ ગુજરાતમાં ધુમ્મસનું સ્તર મળી આવ્યું છે.’
હવામાન વિભાગે જણાવ્યું છે કે હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડીથી ગંભીર ઠંડીની સ્થિતિ જોવા મળી હતી અને ખૂબ ગાઢ ધુમ્મસ સર્જાઇ હતી. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જોવા મળ્યું હતું.
ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસથી ૧૨ ડિગ્રી સેલ્સિયસ, મધ્ય પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં ૧૨ ડિગ્રી સેલ્સિયસ અને ૧૮ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહેલીથી પાંચ જાન્યુઆરી સુધી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ કે હિમવર્ષાની આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ૩૧ ડિસેમ્બરે કોલ્ડવેવની ચેતવણી જારી કરાઇ છે. ગુલમર્ગમાં તાપમાન માઇનસ ૧૦, પહેલગામમાં માઇનસ ૯.૨ ડિગ્રી પહોંચી ગયું હતું.આગાહી મુજબ, નવા વર્ષના પ્રથમ દિવસે (જાન્યુઆરી ૧) પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ સ્થળો પર કોલ્ડવેવની સ્થિતિ સંભવ છે.
હિમાચલ પ્રદેશ અને પૂર્વાેત્તર રાજ્યોમાં ધુમ્મસ અને હિમવર્ષા થવાની શક્યતા છે. બીજી જાન્યુઆરીએ પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
કાશ્મીરના ગુલમર્ગ અને પહેલગામમાં શીત લહેરોની સ્થિતિ વધુ તીવ્ર બની હતી જ્યાં પારો ળીઝિંગ પોઈન્ટથી કેટલાક ડિગ્રી નીચે ગયો હતો. જોકે ખીણના બાકીના ભાગોમાં આકરી ઠંડીથી થોડીક રાહત મળી હતી. હાલમાં કાશ્મીર ૨૧ ડિસેમ્બરથી શરૂ થતાં ઠંડીનો આકરો સમય ‘ચિલ્લઇ કલાન’માંથી પસાર થઇ રહ્યું છે. આ ૪૦ દિવસમાં હિમવર્ષાની સંભાવના વધુ હોય છે.
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનો અહેવાલ છે. જેને કારણે અનેક માર્ગાે બંધ થઇ ગયા છે. રોહતાંગ પાસનો માર્ગ હિમવર્ષાને કારણે બંધ કરી દેવાયો છે. જાલોરી પાસ પણ બંધ કરાયો છે. અટલ ટનલ રોડ પર પણ માર્ગ વ્યવહાર ખોરવાયો છે.SS1MS