ફુડકોર્ટમાં બંધ દુકાનોનું ભાડું ચૂકવતા નથી પણ સામાન રાખવા ઉપયોગ કરે છેઃ તંત્રએ લોક કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/05/shop-seal.jpg)
પ્રતિકાત્મક
એકબાજુ ઉપયોગ થતી હોય તે દુકાનોનું પણ નિયમિત ભાડું ચુકવાતું નથી, લાખોનું ભાડું બાકી છતાં કોઈ પગલાં લેવાયા નથી
ગાંધીનગર, શહેરના હાર્દ સમા વિસ્તારમાં સ્થિત ઘ-પ સર્કલ નજીક ફૂડકોર્ટના અમુક વેપારીઓ ઘણા સમયથી ભાડુ ચુકવતા નથી. ફુડકોર્ટમાં નિયત જગ્યાની બહારના વિસ્તારમાં કાયમી પ્રકારના દબાણો પણ અÂસ્તત્વમાં આવ્યા છે. ફુડકોર્ટની કેટલીક દુકાનોના વેપારીઓ નિયમિત ભાડું ચુકવતા નથી.
બીજી તરફ અમુક બંધ સ્ટોલ્સના શટરો ખુલ્લા કરી સામાન રાખવા તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા આ મામલે તંત્રએ તપાસ કરી આવી દુકાનોના શટરોને વેલ્ડિંગ કરાવી લોક કરાવી દીધા છે.
શહેરમાં ઘ-પ વિસ્તારમાં દબાણોની સમસ્યાને ડામવા તેમજ વેપારીઓની સાનુકૂળતા માટે તંત્ર દ્વારા વર્ષો પૂર્વે લાખોના ખર્ચે ફૂડકોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ફૂડકોર્ટની દુકાનોના ભાડાની રકમ પણ વેપારીઓ ચુકવતા ન હોવાનું સ્પષ્ટ થયું હતું, જયારે ભાડું નહી ભરનારા વેપારીઓને અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી.
જયારે આ મામલે નિયત સમય મર્યાદામં ભાડું નહીં ચુકવવાના કિસ્સામાં દુકાનોને સીલ મારવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આમ છતાં આ વેપારીઓનું લાખોનું ભાડું બાકી છે. તંત્ર દ્વારા આગળની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતં હજુ પણ મોટી રકમના ભાડાની વસૂલાત બાકી છે.
તોતિંગ ખર્ચ કરીને પાણી, ગટર, ગેસ અને વીજળીની લાઈન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાયેલી આ ફુડકોર્ટમાં અંદાજિત ૯૬ દુકાનો છે જયારે હજુ પણ ર૭ દુકાનો બંધ હાલતમાં બિનઉપયોગી છે. આવા સંજોગોમાં વેપારીઓને ફાળવવામાં આવેલી દુકાનોનું પણ ભાડું નિયમિત ન ચુકવતા તંત્રના ચોપડે લાખોની ઉધારી છે.
ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા ફુડકોર્ટની બંધ દુકાનોનો પણ સામાન રાખવા ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને અનુલક્ષી તંત્ર દ્વારા આવી દુકાનોના શટરોને વેલ્ડિંગ કરીને લોક કરી દેવાયું છે.
ફુડકોર્ટના વેપારીઓના બાકી ભાડાની વસુલાતનો મુદ્દો લાંબા સમયથી કોરાણે મુકાયો છે, જયારે વધતા દબાણો મામલે કોઈ કાર્યવાહી થતી નથી એટલું જ નહીં પરંતુ લાખોનું બાકી ભાડું વસુલવાની કાર્યવાહીના મામલે પણ પોલીસ પ્રોટેકશનના અભાવની બૂમો વચ્ચે કોઈ કામગીરી થતી નથી.