‘સરસિયાનું તેલ ખરાબ આવ્યું છે’ કહીને સોનાની ચેઈન લૂંટી લીધી
અમદાવાદ, સરસિયાનું તેલ ખરાબ આવ્યું છે કહીને મેઘાણીનગરમાં આવેલા કિશ્રાણા સ્ટોરમાં તોડફોડ કરીને બે તોલાની સોનાની ચેઈનની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહક તેલ ખરીદ્યાના થોડા સમય બાદ તેના ત્રણ મિત્રોને લઈને આવ્યો હતો અને બાદમાં તેલ ખરાબ હોવાનું કહીને હુમલો કરી દીધો હતો.
કિરાણા સ્ટોરના માલિકે પહેરેલી બે તોલા સોનાની ચેઈન લૂંટીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. હાંસોલમાં આવેલી કૈલાસપાર્ક સોસાયટીમાં રહેતા કૃણાલ ઉર્ફે સની પટેલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વિશાલ પટણી, સુરેશ પટણી સહિત બે શખ્સ વિરૂદ્ધ લૂંટ તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. કૃણાલની મેઘાણીનગરના ચમનપુરામાં કરિયાણાની દુકાન આવેલી છે.
ગઈ કાલે કૃણાલના મોટા બાપા પ્રવીણભાઈ પટેલ તેમજ કારીગર મનોજ દુકાને હાજર હતા ત્યારે કોઈ ગ્રાહક સરસિયાનું તેલ લેવા માટે આવ્યો હતો. થોડા સમય પછી તે ગ્રાહક બીજા ત્રણ શખ્સ સાથે ગાડીમાં આવ્યો હતો અને દુકાનમાં આવીને કહેવા લાગ્યો હતો કે તમે અમને ખરાબ તેલ કેમ આપો છો તેમ કહીને બબાલ કરવાની શરૂ કરી દીધી હતી. કૃણાલ સહિતના લોકોએ ગાળો બોલવાની ના પાડતા તમામ શખ્સ ઉશ્કેરાયા હતા અને હુમલો કરવાનો શરૂ કરી દીધો હતો.
કૃણાલને ડંડાથી માર્યા બાદ પ્રવીણભાઈ તેમજ મનોજ ઉપર હુમલો કરી દીધો હતો. ચારેય જણાએ ભેગા થઈને દુકાનનો સામાન ફેંકી દીધો હતો અને રીતસરની દાદાગીરી કરવા લાગ્યા હતા. ચારેય જણાએ કૃણાલને માર મારીને તેના ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. હુમલાની આ ઘટના જોઈને ચારેય શખ્સ ત્યાથી ફરાર થઈ ગયા હતા.
કૃણાલ તેમજ પ્રવીણભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. મોડી રાતે મેઘાણીનગર પોલીસે ચાર લોકો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે લૂંટ કરવા માટે આવેલા શખ્સ પૈકી બેના નામ વિશાલ અને સુરેશ પટણી છે. પોલીસે ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.