સુરતમાં ચોરે ૧૨ લાખની ચોરી કરી CCTV સામે માફી માગી
સુરત, સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના કારખાનામાં ૧૧.૮૫ લાખ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો.
ચોરી કરવા આવેલા ચોરે બુકાની પહેરી હતી. ચોરી કર્યા બાદ ચોરે પોતાનાં હાથથી કોરા કાગળ પર ‘આપ કા કારીગર’ નામની ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી ગયો હતો. એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે દસ વાર નમીને માફી માંગી રહ્યો હતો.
શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી, ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો હતો. પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઈટથી ઓરિસ્સા મોકલી દીધી હતી.
આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.ઉધના પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે ગત ૯ જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રઘુપતિ ફેશન નામના ખાતામાં ચોરી થઈ હતી. ૧૧.૮૫ લાખ રૂપિયાની ચોરીમાં ચોરે બાથરૂમની બારીની લોખંડની જાળી તથા સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યાે હતો.
ઓફિસની ટેબલના ખાને તોડીને રાખેલા રોકડ રૂપિયા ચોરી કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોર બુકાની પહેરીને સાડા ત્રણ મિનિટમાં ચોરી કરીને ભાગતો દેખાયો હતો.પોલીસને ગેરમાર્ગે દોરવા ચિઠ્ઠી લખી પોલીસે ઓફિસની તપાસમાં એક કાગળ શોધ્યો, જેમાં ચોરે પેન્સિલથી લખ્યું હતુંઃ “સોરી, માફ કરના શેઠ જી, મેરી મજબૂરી હૈ ઇસલિયે કર રહા હું, મેરી બીવી કી તબિયત ખરાબ હૈ.
હોસ્પિટલ મેં ખર્ચા હો રહા હૈ. હો સકે તો માફ કર દેના. મેં આપકે પૈસે જલદી ચુકા દુંગા. માફ કરના, આપકા કારીગર.” આ પત્ર મળતા પોલીસને લાગ્યું કે આ ચોરી કારીગરે કરી છે. જોકે, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી બે શખ્સોએ કરી હતી.
બંને ચોર બાઇકથી દોઢ કિલોમીટર દૂર ઉતર્યા હતા, જેમાં એક બહાર વોચ કરતો હતો અને બીજો બુરખા પહેરીને ઓફિસમાં ચોરી માટે દાખલ થયો હતો. સુરત પોલીસના ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, આ કિસ્સામાં મુખ્ય આરોપી લાલા છે, જે ઓરિસ્સાનો રહેવાસી છે, તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો. લાલા ઉપર અત્યાર સુધીમાં બાર ગુના નોંધાઈ ચૂક્યા છે.
તેની ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી સાડીના કારખાનાના એડ્રેસ શોધીને રેકી કરતો હતો. રાત્રે મોપેડ સાથે, સ્કૂલબેગમાં ચોરીના સાધનો રાખી નીકળતો હતો અને ગિરીશ નામના સાગરીત સાથે ચોરીને અંજામ આપતો હતો. આ વખતે લાલાએ ૧૧,૮૫ લાખ રૂપિયા ચોરી કર્યા હતા, પરંતુ ગિરીશને માત્ર ૨ લાખ મળ્યા હોવાનું કહી ૧ લાખ રૂપિયામાં સેટ કર્યાે હતો.
ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઈટથી ઓરિસ્સા મોકલી દીધી હતી. તે પણ ઓરિસ્સા નાસી જવાનો હતો, પરંતુ પોલીસે તે પહેલાં જ પકડી પાડ્યો હતો.SS1MS