Western Times News

Gujarati News

સાયન્ટિસ્ટના ઘરમાંથી ઘરઘાટીએ ૧૯.૫૫ લાખની મતાની ચોરી કરી

અમદાવાદ, ગુજરાત બાયોટેકનોલોજી સેન્ટર ખાતે સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી ૧૯.૫૫ લાખ રૂપિયાની ચોરી થઈ છે. સાયન્ટિસ્ટ પોતાના પરિવાર સાથે દ્વારકા ગયા હતા જ્યારે પરત આવ્યા તે દરમિયાન ઘરમાં કામ કરતી ઘરઘાટીએ જ ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પૂછપરછમાં મહિલા ઘરઘાટીએ ચોરીની કબૂલાત કરી લીધી છે.પાલડી પટેલવાસમાં રહેતા ધારાબેન પટેલ ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે.

૨૨ મેના રોજ ધારાબેન પતિ અને બાળકો સાથે દ્વારકા ફરવા ગયા હતા અને ૨૫ મેના રાતે તેઓ પરત આવ્યા હતા. તેઓ પરત આવ્યા ત્યારે તેમના સાસુ, સસરાએ તેમને જણાવ્યું હતું કે ૨૪ મેના રાત્રે વરસાદ જેવું વાતાવરણ હોવાથી તે ઉપર બારી બંધ કરવા ગયા ત્યારે ત્રીજા માળની તિજોરી અડધી ખુલ્લી હતી.

પછી તેમણે તપાસ કરી તો તિજોરીમાંથી સોનાના દાગીના અને બે લાખ રૂપિયા રોકડા ચોરી થયા હતા. ઘરમાંથી કુલ ૧૭.૫૫ લાખ રૂપિયાના સોનાના દાગીના અને ૨ લાખ રોકડા એમ કુલ ૧૯.૫૫ લાખ રૂપિયાની ચોરી થઈ હતી.

જેથી ધારાબેને આ અંગે ઘરમાં કામ કરવા આવતા અને દીકરીઓને રાખવા આવતા ભૂમિકા સોલંકીની પૂછપરછ કરી ત્યારે ભૂમિકાએ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ધારાબેને ઘરઘાટી ભૂમિકા સોલંકી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે એલિસબ્રીજ પોલીસે વધુ તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.