લો બોલોઃ તસ્કરો ગ્રામ પંચાયતના ટયુબવેલનો 1.64 લાખનો કેબલ ચોરી ગયા
કેબલ મોટર સાથે જાેઈન્ટ કરવા ગામમાં મોટર રિપેરીંગના કારખાને મુકયો હતો,-કારખાનાની લોખંડની બારીની ગ્રીલ તોડી તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામમાં ત્રાટકેલા તસ્કરો ગ્રામ પંચાયતના ટયુબવેલનો રૂ.૧.૬૪ લાખનો કેબલ ચોરી રફુચકકર થઈ ગયા હતા. કારખાનાની લોખંડની બારીની ગ્રીલ તોડી તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ફરિયાદના આધારે ચીલોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ચીલોડા પોલીસ મથકમાં ચંદ્રાલા ગ્રામ પંચાયતના સરપંચ રામકૃષ્ણ ડાહ્યાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે તે મુજબ ચોરીની વિગત એવી છે કે ચંદ્રાલામાં ગ્રામ પંચાયતનો નવો ટયુબવેલ બનાવ્યો હોવાથી પાણી ખેંચવાની મોટર સરકારમાંથી મળી છે
અને કેબલ લાવવાનો હોવાથી પંચાયતના સ્વભંડોળમાંથી ૧પ દિવસ અગાઉ ૩પ એમએમનો ૧૮૦ મીટર કેબલ રૂ.૧.૬૪ લાખમાં ખરીદવામાં આવ્યો હતો. તે કેબલ મોટર સાથે જાેઈન્ટ કરવા ગામમાં મોટર રિપેરીંગના કારખાને મુકયો હતો,
પરંતુ વરસાદ પડવાથી જે જગ્યાએ ટયુબવેલ બનાવ્યો છે ત્યાં મોટર ઉતારવા માટેની રિંગ જાય તેમ ન હોવાથી ટયુબવેલની મોટર અને કેબલ ચંદ્રાલા ગામમાં આવેલા કારખાને રહેવા દીધો હતો.
દરમિયાન ગઈકાલે ગોવિંદના ભાગીદાર કનુ પંચાલના દિકરા મિતેષે સરપંચને ફોન કરીને કહ્યું હતું કે, કારખાને ચોરી થઈ છે જેથી સરપંચ કારખાને ગયા હતા જયાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ગ્રામ પંચાયતના ટયુબવેલની પાણી ખેંચવાની મોટર કારખાનામાં પડી હતી પણ તેની સાથેનો જાેઈન્ટ કેબલ ન હતો.