લો બોલોઃ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાઃ CCTVનું DVR ઉઠાવી ગયા

પ્રતિકાત્મક
૪૫૦૦ રૂપિયાની કિંમતનું ડીવીઆર પણ ચોરી ગયાની ફરિયાદ ડભોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે
ગાંધીનગર, ગાંધીનગરના શાહપુરમાં આવેલી મંગલ કિરાણા સ્ટોર્સનાં તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી રોકડા ૨ લાખ ૮૮ હજાર તેમજ સીસીટીવી કેમેરાને નુકશાન પહોંચાડી ૪૫૦૦ રૂપિયાની કિંમતનું ડીવીઆર પણ ચોરી ગયાની ફરિયાદ ડભોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.
ગાંધીનગરના શાહપુર ગામમાં જાેગણી માતાનો વાસમાં રહેતાં હિંમતરામ માંગીલાલ ગેના કુમાવત ગામમાં છેલ્લા ચૌદ વર્ષથી કરીયાણાની દુકાન ચલાવી મારૂ ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના બે ભાઇ ગીફ્ટસીટી ખાતે વેદ કિરાણા સ્ટોરમાં ભાગીદારીમાં વેપાર કરે છે.
ગઈકાલે ૧૨ મી સપ્ટેમ્બરના રોજ હિંમતરામ રાબેતા મુજબ સવારે સાત વાગે દુકાને ગયા હતા અને સાંજના નવેક વાગે દુકાન બંધ કરીને ગિફ્ટ સીટીની દુકાને ગયા હતા. જ્યાં કરિયાણાનો હિસાબ કિતાબનું કામકાજ પૂર્ણ કરી ઘરે જતી વેળાએ શાહપુરની તેમની કરિયાણાની દુકાન બંધ જાેવા મળી હતી.
બાદમાં આજે સવારે તેઓ દુકાને જતાં દુકાનનું તાળુ નહીં જાેઈને ચોંકી ઉઠયા હતા. અને દુકાનની બહાર લાગેલા બે કેમેરા પૈકી એક કેમેરો નીચે પડેલો જાેવા મળ્યો હતો. બાદમાં તેમણે દુકાનનું શટર ખોલીને અંદર તપાસ કરતાં સીસીટીવીનું ડીવીઆર પણ ગાયબ હતું.અને તેના વાયર તોડી નાખેલ હતા.
જેથી પૈસા મૂકવાના ખાનામાં તપાસ કરતા થેલીમાં મુકેલ તેમની મંગલ કિરાણા સ્ટોરના રોકડા રૂપિયા ૧ લાખ ૬૬ હજાર તથા તેમના ભાઇ મંગલભાઇ તથા મહેન્દ્રભાઇની વેદ કીરાણા સ્ટોરના હિસાબના ૧ લાખ ૨૨ હજાર ૬૦૦ રૂપિયા મળીને કુલ રૂ. ૨ લાખ ૮૮ હજાર તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે હિંમતરામે ભાગીદાર રજનીકાંત પટેલને જાણ કરીને દુકાને બોલાવી લીધા હતા.
બાદમાં આસપાસ તપાસ કરતા દુકાનની સામે આવેલ વરંડાવાળી ખુલ્લી જગ્યામા કટરથી કાપેલ હાલતમાં તાળું પડયું હતું. પરંતુ રૂપિયાની થેલીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે ડભોડા પોલીસે રૂ. ૨,૯૫,૫૦૦ ની મત્તા ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.