Western Times News

Gujarati News

પેટલાદના થર્ડ જેન્ડર મતદારોનું મતદાન કરવા આહ્વાન

મતદાન જાગૃતિ -મશાલ રેલીનો કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ દેવાંગી ઠાકર,પેટલાદ) આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જે મુજબ આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ તથા મશાલ રેલીના આયોજન દ્વારા મહત્તમ મતદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આજરોજ પેટલાદના થર્ડ જેન્ડર મતદારોને સાથે રાખી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું.

પેટલાદ ખાતે નીકળનાર મશાલ રેલીને મતદાર નોંધણી અધિકારી પ્રજ્ઞેશ જાનીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. થર્ડ જેન્ડર મતદારોના સહયોગથી મતદાર જાગૃતિ અર્થે યોજાયેલી આ મશાલ રેલી રણછોડજી મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરી કોલેજ ચોકડીએ પૂર્ણ થઈ હતી. પેટલાદના દાદા ગંગારામ કિન્નર અખાડામાં રહેતા થર્ડ જેન્ડર મતદાર ઝારા પૂજા કુંવર કિન્નર અને આરતી કુંવર મધુ કુંવર કિન્નરનું પ્રાંત અધિકારીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આજની રેલી દરમ્યાન દાદા ગંગારામ કિન્નર અખાડાના થર્ડ જેન્ડર મતદારો દ્વારા અમે પણ મતદાન કરીશુંના સંકલ્પ સાથે જાહેર જનતાને મહત્તમ મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં થર્ડ જેન્ડરના કુલ ૧૩૨ મતદારો છે. જે પૈકી પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં ૧૧૧ મતદારો નોંધાયેલા છે.

આ મતદારોએ આજે મશાલ રેલી યોજી જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા. આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં થર્ડ જેન્ડર મતદારો જોડાયા હતા. થર્ડ જેન્ડર મતદારોની મશાલ રેલીના સમાપન સમયે પ્રત્યેક વ્યક્તિને મતદાન જરૂરી કરીશું તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.