એકના એક જુગારધામ પર ત્રણ મહિનામાં ત્રીજી વખત દરોડો
(એજન્સી)અમદાવાદ, આખા શહેરમાં ઠેર-ઠેર જુગારના અડ્ડા ધમધમે છે. ત્યારે અનેકવાર સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરિંગ સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દરોડા પાડીને કાર્યવાહી કરતી હોય છે.
ત્યારે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દાણીલીમડા વિસ્તારમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે અને ૨૫ જુગારીઓની ધરપકડ કરી લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલે એકના એક જુગારધામ પર ત્રણ મહિનામાં ત્રીજી વખત દરોડો પાડ્યો છે અને સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે ખોડિયારનગરના છાપરમાં અમરત રબારીને ત્યાં જુગારધામ ચાલે છે. ત્યારે બાતમીને આધારે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી જુગારધામમાં અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ એસએમસીના મજબૂત પ્લાન વચ્ચે એકપણ જુગારી ભાગવામાં અસફળ રહ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૨૫ જુગારીઓને ૧૧.૧૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે જુગારીઓ પાસેથી એક લાખ રોક્ડ, ૩.૭૮ લાખના ૨૬ મોબાઇલ ફોન, ૬.૩૫ લાખના ૧૪ વાહનો જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તારીખ ૧૦ જાન્યુઆરીના દિવસે પણ ખોડીયાર નગરમાં જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જેમાં ૧૧ જુગારીઓની ધરપકડ થઇ હતી.
એસએમસીની રેડ બાદ પણ ફરીથી જુગારધામ શરુ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા.રેડના ૧૫ દિવસમાં એક જ જગ્યા પર એસએમસીની ટીમે બીજી વખત જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં ૧૫ જુગારીઓ ઝડપાયા હતા. બે વખત એસએમસીએ દરોડા પાડ્યા બાદ મોડીરાતે ફરીથી તે જ જગ્યા પર એસએમસીએ સપાટો બોલાવ્યો હતો.
ત્રીજી રેડમાં એસએમસીની ટીમે ૨૫ જુગારીઓ ઝડપી પાડ્યા હતા. કસીનોની જેમ કોઇન આપવામાં આવતા હતા. હાઇપ્રોફાઇલ જુગારધામ અમરત રબારીના ઇશારે ચાલી રહ્યુ છે, જેનું સંચાલન મોહમ્મદ રફીક કરી રહ્યો છે. જ્યારે કોઇપણ જુગારી રમવા માટે આવે ત્યારે પહેલા તેમનો મોબાઇલ જમા લઇ લેવામાં આવતો હતો
અને બાદમાં જુગારી રૂપિયા આપે તે પ્રમાણે કોઇન આપવામાંઆવતા હતા.જુગારીઓને નાસ્તો તેમજ ચા-પાણી, કોલ્ડડ્રિન્ક અડ્ડા ઉપર જ પ્રોવાઇડ કરવામાં આવતું હતું. કસીનોમાં જેવી રીતે રૂપિયા જમા કરાવીને કોઇન મળે છે તેવી જ રીતે મોહમ્મદ રફીક પણ રૂપિયા લઇને કોઇન જુગારીને આપતો હતો.
આખો દિવસ અને રાત જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો.સામાન્ય રીતે એસએમસીની રેડ થાય ત્યાં કોઇપણ બુટલેગર કે જુગારનો અડ્ડો ચલાવનાર આરોપી ફરીથી ધંધો કરવાનું દસ વખત વિચાર કરે છે. અમરત રબારીના અડ્ડા પર જાન્યુઆરીમાં બે વખત દરોડા પાડ્યા હતા.
જેમાં ૨૬ જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે આજે એસએમસીએ દરોડા પાડી ૨૫ જુગારીઓને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, અમરત રબારીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ વખત મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપી પાડ્યા છે.