36 વર્ષમાં 5000 રુપિયામાંથી 44 હજાર કરોડ બનાવ્યા ભારતના આ બિગબુલે

પ્રતિકાત્મક
ટાઈટન, ટાટા મોટર્સ, ફેડ બેંક, ફોર્ટિસ, મેટ્રેો ક્રીસીલ જેવી કંપનીઓમાં કરોડો રુપિયાનું રોકાણ ઝુનઝુનવાલાએ કર્યુ હતું.
મુંબઈ, બાસઠ વરસની વયે 14મી ઓગસ્ટ, 2022ના રોજ અવસાન પામેલા ભારતના બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ 1986માં માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણ સાથે શૅરબજારમાં જંપલાવ્યું હતું. એ સમયે બૉમ્બે શૅરબજાર એટલે કે બીએસઈનો સેન્સેક્સ 150 જેટલો હતો. એ સમય એવો હતો, જ્યારે સામાન્ય લોકોને શૅરબજારની આંટીઘૂંટી વિશે ખાસ જાણકારી નહોતી.
અમુક લોકો તો એને સટ્ટો જ સમજતા એવા સમયે રાકેશ ઝુનઝુનવાલાની એન્ટ્રી થઈ હતી.એ સમયે રાકેશ ઝુનઝુનવાલાએ પાંચ હજાર રૂપિયાનું રોકાણ કર્યું અને એમાં તેમને પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો. તો ત્રણ વરસમાં નફો વધીને પચીસ લાખ પર પહોંચ્યો.
વર્ષ 2021માં બહાર પડાયેલા આંકડાઓ મુજબ રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ 5.6 અબજ ડૉલર (લગભગ 44 હજાર કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ.રોકેટગતિથી થયેલી પ્રગતિને લીધે રાકેશ ઝુનઝુનવાલા દલાલ સ્ટ્રીટનું જાણીતું નામ બની ગયું. કોઈ તેમને શૅરબજારના કિંગ કહેતા તો કોઈ બજારના રિંગ માસ્ટર.
કોઈ તેમની તુલના કુબેરથી કરતા તો કોઈ તેમને પારસનો પથ્થર કહેતા. એટલું જ નહીં, અનેક લોકો તેમને ભારતના વૉન બફેટ’ કે બિગ બુલની ઉપમા પણ આપતા. છત્રીસ વરસ પહેલા ઝુનઝુનવાલાએ શેર બજારમાં પગ મૂક્યા બાદ કદી પાછું વળીને જોયું નથી. તેમનો જાદુઈ સ્પર્શ જે શૅરને થતો એ રાતોરાત ટોચ પર પહોંચી જતો.
ટાઈટન, ટાટા મોટર્સ, ફેડ બેંક, ફોર્ટિસ, મેટ્રેો ક્રીસીલ જેવી કંપનીઓમાં કરોડો રુપિયાનું રોકાણ ઝુનઝુનવાલાએ કર્યુ હતું.
સ્ટૉક માર્કેટની સાથે તેમનો સંબંધ બૉલીવૂડ સાથે પણ હતો. રાકેશ ઝુનઝુનવાલાએ ઇંગ્લિશ વિંગ્લિશ અને કી એન્ડ કા જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
એટલું જ નહીં, બૉલીવૂડના કલાકારોને શૅરબજારની ટિપ્સ પણ આપવાનો તેમને શોખ હતો.’શૅરબજારના કિંગને એક વખત પ્રિયંકા ચોપરાએ પૂછ્યું કે તમે આટલી સફળતા કેવી રીતે મેળવી?
ત્યારે તેમણે કહ્યું, સફળતા લકથી મળે છે અને લક એટલે બીજું કંઈ નહીં પણ ભગવાનની કૃપા છે. એની પાછળ હાર્ડ વર્ક, અનિશ્ચિતતા, સ્ટ્રેસ અને સારા-નરસા વિચારો હોય છે. મેં મારી જિંદગીમાં જે કંઈ મેળવ્યું છે એ ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી મેળવ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં રાકેશ ઝુનઝુનવાલાએ આફ્ટર લાઇફ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મ અનુસાર એક ઉંમર બાદ મૃત્યુ આવવું સારું છે. તમારો આત્મા એક શરીરથી બીજા શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.