લગ્નના ખોટા ખર્ચાથી દૂર રહી ગામ-સમાજ માટે કામ કર્યુ આ ખેડૂતે
મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લાના ખાચરોદ તાલુકા મથકે રહેતા ૬૩ વર્ષીય વકીલ દયારામજીએ દીકરાના લગ્નમાં થતો જરૂરી ન હોય તેવો ખર્ચ ઓછો કરી ચેક ડેમ બનાવ્યો
સમાજ સેવાના નામે અને રાજકીય ઈચ્છાશક્તિ મેળવવાના મનના ઓરતા મનમાં જ રહી જતા હોય છે. અને કેટલાક કલાકારો ફાવી પણ જતા હોય છે. સમાજના નામે, ધર્મના નામે, કોમના નામે ભડકાઉ શબ્દોના વરસાદ પછી તાલીઓ પડે એટલે મજા આવે.
સ્ટેજ ઉપરથી હંમેશા સામે બેઠેલી પ્રજા માટે ભાષણો થતા રહે છે. ભાષણ કરનાર વ્યક્ત હંમેશા સામાજીક જાગૃતિની વાત કરતા હોય છે, દેશ અને પરદેશની રાજકીય તખ્તાની વાતો કરતા હોય છે અને ભોળી પ્રજા તરીકે આપણે સહુ મજા લેતા હોઈએ છીએ.
દેશ આઝાદ થયો એ પહેલા અનેક નવલોહિયા યુવાનો મા ભારતી માટે ફાંસીના માચડે ચડી ગયા. અંગ્રેજી સલ્તનતે અનેકને ગોળીએ વિંધી દીધા. એ મા ભારતીના વીરલાઓની શૌર્યગાથાના પરિણામે સ્વરાજ મળ્યું. પ૬ર રાજવીઓની રીયાસતો પછી આજે અંખડ ભારતના ૭પ વર્ષ પછી ભણેલા અધિકારીઓ ઉપર અંગુઠાછાપ સલ્તનત ઉભી કરી તેના પગાર, ભથ્થા અને ભ્રષ્ટાચાર વધારી દીધા છે.
મજા ત્યારે આવે આપણને ઉપદેશ આપનાર મુખ્ય કે સામાજીક આગેવાન વાતો કરે છે. કુ-રીવાજા દૂર કરવા જાઈએ. એ જ પાછા ભુવા-ભરાડીને ત્યાં બેઠા હોય, લગ્નમાં ખર્ચા ઓછા કરવા, પોતાના દીકરા કે દીકરીઓના લગ્ન ધામધૂમથી કરે અને લોકોને સલાહ આપવા નીકળે. વાંચતા વાંચતા જરા વિચારજા આવુ બનતું હશે.
સમાજના આગેવાન હોય કે રાજકીય આગેવાન હોય જનતા તેના ઉપર વિશ્વાસ રાખતી હોય છે. આગેવાનની કથની અને કરણીમાં ફેર ના હોવો જાઈએ. અનુશાસનનું પાલન પોતાનાથી જ થાય તો જ વાત કરવી સારી લાગે.
ભારત દેશનો આત્મા ખેતી-ખેડૂત અને ગામડુ છે.
દેશના અમૃત મહોત્સવ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક જિલ્લામાં ૭પ અમૃત સરોવર બનાવવાની હિમાયત કરી એ સારી બાબત છે. જેના સારા પરિણામો મળશે. ગુજરાત રાજયમાં ભૂતકાળમાં લોકભાગીદારી થકી ચેકડેમોનું નિર્માણ થયેલ. પાણી બચાવવા માટે પણ આવી યોજનાઓ અમલી બને તે જરૂરી છે.
બોલીને ફરી જવુ એ મારૂ કાર્ય નથી. ભલે સામાન્ય ખેડૂતનો દીકરો છું. પણ સામાજીક અને રાજકીય ક્ષેત્રે નેતૃત્વ કરૂ છું. સમાજની અને જનતાની અપેક્ષા મારી પાસે હોય જ અને સમાજની કે જનતા વચ્ચે વાત કરતા પહેલા તેનું અનુકરણ મારે કરવું એ મારી પહેલી ફરજ છે.
આ શબ્દો છે મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લાના ખાચરોદ તાલુકા મથકે રહેતા ૬૩ વર્ષીય વકીલ દયારામજીના. તેનો અભ્યાસ જૂનો એસએસસી છે. ગણતર ખૂબ ઉચું છે. પોતાના પરિવારના પાસે રપ વિઘા જેટલી જમીન છે. ખાચરોદ તાલુકા પંથકમાં કાયમી પાણીની સમસ્યા રહે અને પાણીના અભાવે ખેતી ભાંગી રહી હતી. જમીનનું તળ ૧૦૦૦ ફુટેથી પાણી લાવી ખેતી થતી હતી. જેમાં મોટરોના બળવા જેવા ખર્ચાઓ વધી જતા હતા.
દયારામજી પોતે સામાજીક આગેવાન. પાણી વિના ભાંગતી ખેતીના હિસાબે પરેશાન રહે કારણ કે પાણી વિના ખેતીમાં કશું જ મળે નહિ અને ખેડૂતોના પછેડીના બે છેડા ભેગા ન થાય એટલે ખેડૂતો દુઃખી થાય. આ બધા વચ્ચે કંઈક કરીને પાણી બચાવવા અને વરસાદના વહી જતા પાણીને રોકી જમીનમાં રી-ચાર્જ કરવામાં આવે તો જ પીવાના પાણીની સમસ્યા અને ખેતી માટે પાણીની સમસ્યા નિવારી શકાય.
પોતાને વિચાર આવ્યો કે મોટા લોકો તો હંમેશા કહી જાય છે કે લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરો. અંધશ્રધ્ધામાંથી બહાર આવો, વ્યસન છોડો, ફેશન છોડો પણ આ બધુ છોડશે કોણ? બોલનારાઓના ઘેર પ્રસંગ હોય તો લખલૂંટ ખર્ચાઓ કરે છે. એને માત્ર ઉપદેશ આપવા જ સારા લાગે છે.
બોલે છે તેનાથી કશું જ નહિ થાય. શરૂઆત મારે કરવી છે. દયારામજીના પુત્રના લગ્ન આયોજન માટે પરિવાર ભેગો થયો ત્યારે દયારામજીએ પરિવારજનો અને પોતાના દીકરાને કહ્યું, “લગ્નમાં થતા ખર્ચાઓ બંધ કરવાની વાત અમે ચૌરે અને ચૌટે કરતા હોઈએ છીએ એ મારે મારા દીકરાના લગ્નમાં પાળી બતાવવી છે.” પરિવારજનોએ ખુશીથી વાત વધાવી. દીકરાએ કહ્યુ શરણાઈ વાગશે, બેન્ડપાર્ટીનો ખર્ચ નહિ કરીએ.
ગીતની રસમમાં ડીજે નહિ વાગે પરિવારની મહિલાઓ પરંપરાગત ગીતો ગાશે. ડીજેનો ખર્ચ નહિ કરવામાં આવે. ફટાકડા ફોડી પ્રદૂષણ ફેલાવવામાં નહિ આવે, ફટાકડાનો ખર્ચ નહિ કરવામાં આવે. લગ્ન પ્રસંગે ભોજનનું મેનુ લોકોને બતાવવા માટે ભાતભાતના મિષ્ટાન નહિ પણ મહેમાનો જમી શકે તેવુ મેનુ. ખોટા ખર્ચ નહિ.
આમ લગ્નના વધારાના ખોટા ખર્ચાઓ દેખાદેખી માટે થતા હોય છે તે તમામ ખર્ચાઓ રદ કરી તે ખર્ચમાંથી એક ચેકડેમ બનાવીને ખેડૂત સમાજને અર્પણ કરવો જેથી ભૂતળ ઉંચા આવે અને તરસી ધરા ફરી સજીવન બને. પરિવારના બધા જ સભ્યોએ દયારામજીના આ નિર્ણયને વધાવ્યો. અને ખામરોહ પાસે ખજૂરી નદી ઉપર ચેકડેમ નિર્માણનું કામ શરૂ કર્યુ.
આ વાત આજુબાજુના ગામોમાં ફેલાતી ગઈ. ઘણા પરિવારોને આ વાત ગમી અને પ્રસંગોમાં ખોટા ખર્ચાથી દૂર રહીને પોતાના વિસ્તારમાં શાળામાં ઓરડા બનાવી આપવા, શાળાઓમાં ખુટતી વસ્તુઓ આપવી, ગામ શહેરમાં ચબુતરા, અવેડા બનાવ્યા જેના ઉપર તકતી બનાવીને વર્ષો સુધી યાદગાર પ્રસંગનું નામ રહે છે.
બાકી પ્રસંગોના નામે ખોટા ખર્ચાથી ઘડી બે ઘડી જ યાદ રહે છે. આમ સામાજીક ક્રાન્તિના મંડાણ કરવામાં દયારામજી પથંકમાં વધુ લોકપ્રિય અને ઓળખીતા બની ગયા. વાત પણ સાચી જ છે. જયાં ચેકડેમનું નિર્માણ થયુ છે તે ચેકડેમ ઉપર પોતાના પુત્ર અને પુત્રવધૂના નામની તકતી મારી છે.
જેથી પ્રસંગ કાયમી જીંવત રહે અને લોકોને પણ યાદગીરી અપાવતો રહે. ચેકડેમની બન્ને બાજુના ૩ કિ.મી. વિસ્તારમાં પાણીના તળ રીચાર્જ થવાથી આજે ખેડૂતો ટયુબવેલ આધારીત ખેતી કરતા થયા છે. અને જમીની પાણીના તળ ઉંચા આવ્યા છે. દયારામજી વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે. શરૂઆતમાં બે વર્ષ ઉત્પાદન ઓછુ આવ્યુ. પણ આજે રાસાયણિક ખાતરોથી ખેતી કરતા ખેડૂતો કરતા એક મણ પણ ઓછુ ઉત્પાદન આવતું નથી.
મકાઈ, સોયાબીન, લસણ, ઘઉં, સરસવ જેવા પાકોનું વાવેતર કરીને સારૂ ઉત્પાદન મેળવે છે. લોકોએ બોલવા કરતા અને સલાહ આપવા કરતા પોતે કંઈક સારૂ અનુકરણ કરે એ જરૂરી છે. તેનો જીવંત દાખલો દયારામજી છે.