ગુજરાત BJPના આ ઉમેદવાર લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં જ જીતી ગયા
ગુજરાતની આ લોકસભાની બેઠક બની દેશની પ્રથમ બિન હરીફ બેઠક-ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારો દ્વારા પોતાનાં ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેવામાં આવ્યા છે.
(પ્રતિનિધિ) સુરત, સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. આજે બપોર સુધી ભારે રસ્સાકસ્સી વચ્ચે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે બહુજન સમાજ પાર્ટી સહિતના તમામ પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાનાં ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેવામાં આવ્યા છે.
જો કે, બસપાના ઉમેદવાર દ્વારા બપોર સુધી ઉમેદવારી પત્રક પરત ન ખેંચતા એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ દોડધામ જોવા મળી હતી. અલબત્ત, સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં જ ૨૦૨૪માં લોકસભાની ચુંટણીમાં સુરતની બેઠક ભાજપના ફાળે આવી ચુકી છે.
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાયા બાદ સી. આર. પાટીલને મળ્યા હતા. BJPના પાટીલે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar#AbkiBaar400Paar pic.twitter.com/w87WSrla5s
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 22, 2024
સુરત બિનહરીફ જાહેર થતાં ચુંટણી પંચનો પાંચ કરોડનો ખર્ચ બચ્યો
સુરત લોકસભા બેઠક છેલ્લા બે દિવસથી ચર્ચાનું કેન્દ્ર બની છે. કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો પાણીમાં બેસી જતાં આખે આખો વિવાદ સર્જાયો હતો અને અંતે ચુંટણી અધિકારી દ્વારા કોંગ્રેસી ઉમેદવારના ફોર્મ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં જ હવે સુરત બેઠક માટે ચુંટણી પ્રક્રિયા પર પૂર્ણવિરામ મુકાયું છે.
છેલ્લા ૪૮ કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાને અંતે ચુંટણી અધિકારી ડો. પારઘી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનાં ઉમેદવારી પત્રકો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવતાં કોંગ્રેસીઓમાં સોપો પડી ગયો છે. આંતરિક ખેંચતાણ અને વાદ – વિવાદ વચ્ચે કોંગ્રેસીઓ હવે આ સમગ્ર ઘટનાક્રમ માટે ધરાર નિલેશ કુંભાણી અને તેના મળતિયાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં આ બેઠક પર હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળતી હોય છે.
આ સ્થિતિમાં હવે લોકસભાની ચુંટણીમાં સુરત બેઠક પર કોંગ્રેસનો એકડો નીકળી જતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની નિશ્ચિત જીતને બદલે બિનહરીફ વિજેતા જાહેર થાય તે માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આજે સવારથી જ એકમાત્ર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીને બાદ કરતાં તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો પરત ખેંચી લીધા છે.
જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રીપબ્લીકન પાર્ટીના જયેશ બાબુ મેવાડા, લોગ પાર્ટીના સોહેલ સલીમ શેખ સહિત અપક્ષ ઉમેદવારો અજીત સિંહ ઉમડટ, કિશોર ડાયાણી, બારૈયા રમેશ પરસોત્તમ અને ભરત પ્રજાપતિએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે.
જેને પગલે બપોરે દોઢ વાગ્યા સુધી એક માત્ર બસપાના ઉમેદવારને લીધે બિનહરીફ જાહેર થવામાં સુરત લોકસભા બેઠકનું કોકડું ગુંચવાયેલું હતું. અલબત્ત, બપોરે બે વાગ્યે બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. જેને પગલે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે.
હાલમાં સુરત લોકસભા બેઠક પર ૧૬૪૮ બુથ આવેલા છે અને પ્રત્યેક બુથ પાછળ ચુંટણી પંચ દ્વારા અંદાજે ૩૦ હજાર રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશનરીથી માંડીને ચુંટણીની કામગીરી દરમિયાન ફરજ બજાવતાં કર્મચારી – અધિકારીઓનો પગાર, ટ્રાન્સપોર્ટેશન, ભોજન સહિતના તમામ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. આમ, જો સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થશે તો આ ખર્ચમાંથી ચુંટણી પંચને રાહત મળશે. ચુંટણી પંચને સીધો પાંચ કરોડ રૂપિયાની બચત થશે.