આ રીતે તમે તમારા ટીનેજ બાળકોને સાચું માર્ગદર્શન આપી શકો છો
બાળકની લાગણીઓ દરેક વયે જુદી જુદી હોય છે. બળક નાનું હોય ત્યારે એનું વિશ્વ એના માતા-પિતા અને ઘરના સભ્યો જ હોય છે. બાળક મોટું થાય તેમ તેના વિશ્વમાં નવા લોકો ઉમેરાતા જાય છે અને નવી લાગણીઓ- ઈમોશન જન્મ લે છે બાળકમાંથી જયારે એ ટીનેજ તરફ આગળ વધે છે ત્યારે તેનું વિશ્વફલક વધવા લાગે છે.
એ સમયે માતા-પિતાની અપેક્ષાએ મિત્રો તેને વધુ નજીક લાગે છે. એટલે પોતાના પ્રશ્રો- મૂંઝવણ બાબતે છોકરાઓ આપસમાં વધુ સારી રીતે વાત કરી શકતા હોય છે અને અમુક અંશે માતા-પિતાથી છુપાવતા પણ હોય છે.
ટીનેજમાં આવતા બાળકોમાં શું શારીરિક પરિવર્તનો જાેવા મળે છે ?
ટીનેજમાં આવતા બાળકોમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. આ હોર્મોન્સના કારણે બાળકોમાં શારીરિક અને માનસિક ફેરફારો થાય છે.
આ ફેરફારો બાળક નોંધે છે અને એટલે તેને શરીરમાં શું થઈ રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા પેદા થાય છે અને એટલે તે પહેલા તેના મિત્રો પાસેથી જાણવાની કોશિષ કરે છે કારણ કે તેના મિત્રો પણ એ જ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા હોય છે. છતાં પણ જાે નિવારણ ન થાય તો હવે તેમની પાસે એક નવો મિત્ર છે. ‘ગુગલ’ ગુગલને કંઈ પણ પુછી શકાય છે અને તે પણ કોઈ પણ જાતના સંકોચ વગર.
ટીનેજમાં થતા શું ફેરફારો તેમને આકર્ષે છે ?
બાળકીઓમાં ખાસ તો સ્તનોમાં આવતા ફેરફાર, પ્રજનન અંગોમાં આવતા ફેરફાર, માસિકની શરૂઆત, મનોભાવમાં આવતા ફેરફાર વગેરેને કારણે ઘણા પ્રશ્રો થાય છે એ જ રીતે છોકરાઓમાં સૌથી પહેલા ફર્ક અવાજમાં આવે છે. શરીર પરના વાળમાં ફેરફાર આવે છે.
દાઢી-મુછ આવવા લાગે છે અને સ્ત્રીઓ પ્રત્યેનું સહજ આકર્ષણ વધવા લાગે છે. આ એકદમ જ કુદરતી પ્રક્રિયા છે. કારણ કે તેમના શરીરમાં આવતા રાસાયણિક ફેરફાર આ માટે જવાબદાર હોય છે.
ટીનેજ બાળકોના શરીરમાં આવતા ફેરફારની ચર્ચા બાળકો માતા પિતા સાથે કેમ નથી કરી શકતા ?
આ પ્રશ્ર દરેક માતા-પિતાને થાય છે એક સમય એવો પણ હતો કે ઘરમાં જ મોટા ભાઈ-બહેન હોય, એટલે નવા બદલાવોની ચર્ચા એમની સાથે થઈ શકે, પણ હવે એવું શક્ય નથી. ઘરમાં બાળકોની સંખ્યા ઓછી છે, એટલે બાળકો પહેલાં મિત્રો સાથે ચર્ચા કરવાનું પસંદ કરે છે આપણે આપણા બાળકોને તેમના શરીરમાં આવતા ફેરફાર પ્રત્યે સકારાત્મકતા સાથે માર્ગદર્શન આપવું પડે છે.
જાે માતા-પિતા તેમને સવાલો કરતાં અટકાવે અથવા ગુસ્સા સાથે પ્રતિભાવ આપે, તો બાળક પર તેની અસર વિપરીત થાય છે. ખાસ કરીને સેકસ-એજયુકેશનના અભાવમાં ઘણા બધા પ્રશ્રો અને મુશ્કેલીઓ સર્જાય છે. આ એક સહજ અને કુદરતી વેગ છે, એટલે તેની વિશે વાત કરીને બાળકોને સાચું માર્ગદર્શન માત્ર માતા-પિતા જ આપી શકે. હજુ પણ આપણા દેશમાં આ પરિસ્થિતિનો અભાવ છે અને એટલે બાળકો પોતાના શરીર વિશે જાણવા હવે સોશ્યલ મીડિયા તરફ વળ્યા છે.
સોશ્યલ મીડિયાનો બાળકો પર શું પ્રતિભાવ પડે છે ?
સોશ્યલ મીડિયા એ એક જુદી જિંદગી છે જયાં બધા સુંદર જ દેખાતા હોય. એટલે ટીનેજ બાળકો તેના કારણે હેલ્થ અને બ્યુટી કોન્સીયસ થવા લાગે છે અને તેની માટે પણ સોશ્યલ મીડીયા પરના હેલ્થ ઈન્ફલુએન્સરથી પ્રભાવિત હોય છે. એટલે પોતાના પારંપરિક ખોરાક-જીવનશૈલી જીવવાનો પ્રયત્ન કરે છે.
બાળકો પોતાના માટે જરૂરી કસરત, પોષણ, ખોરાકની માહિતી ગુગલ પરથી મેળવતા થયા છે. માત્ર આટલું જ નહીં, ડિપ્રેશન, સ્ટ્રેસ, ઉંઘ અને સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગો માટે પણ ઈન્ટરનેટ સર્ચ કરી રહ્યા છે. એટલે કે બાળકો ઘણું બધું ઈન્ટરનેટ પરથી શીખી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં માતા-પિતા બાળકોને કઈ રીતે મદદ કરી શકે ?
માતા-પિતા જ બાળકો માટે સાચા માર્ગદર્શક હોય છે. એટલે પહેલાં તો બાળકની બદલાતી ઉંમર સાથે બાળક સાથેનું આપણું વર્તન બદલવું પડે છે. બાળકને એટલો વિશ્વાસ હોવો જાેઈએ કે માતા-પિતાથી દરેક વાત કરી શકાય. એ કોઈના પ્રેમની હોય કે પછી હોટેલમાં નવી ચાખેલી ડીશની હોય.
માતા-પિતા અને બાળકના સંબંધમાં રહેલી પારદર્શકતાની શરૂઆત માતા-પિતાએ જ કરવી પડે છે. જાે માતા-પિતા તેમની દરેક વાતમાં બાળકોને ઈન્વોલ્વ કરે તો બાળકો આપોઆપ એ જ કરવા લાગશે અને એક સ્વસ્થ લાગણીસભર સંબંધ બનશે. બાળક પોતાની દરેક વાત ઘરમાં નિર્ભયતાથી કરી શકે એ આજની પ્રાથમિક જરૂરિયાત છે.
બાળકોમાં થતી પોતાના શરીર પ્રત્યેની જિજ્ઞાસાઓનો જવાબ જાે તેને ઘરમાંથી મળે તો ગૂગલ પરથી મળતા જવાબો તે તમારી સાથે શેર કરતા અચકાશે નહીં.