પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે: PM મોદી

કોંગ્રેસ શિવ અને રામ ભકતોને લડાવવા માંગે છે: કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છેઃ મોદી -આણંદ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જંગી સભા સંબોધી
આણંદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કરી ૪ સ્થળોએ જાહેર સભાઓને સંબોધી હતી. ચારે સ્થળો ઉપર તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા ઉપરાંત ભાવિ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. અસહ્ય ગરમી વચ્ચે પણ ચારે સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસથી ચેતતા રહેવાની જરૂર છે.
ઓબીસીની અનામતમાં કાપ મૂકીને મુસ્લિમોને અનામત આપી છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસની નબળા દેખાવથી પાકિસ્તાનમાં માતમ છવાયેલો છે. આજે જામનગરની સભામાં તેમણે ક્ષત્રિયો વિશે પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ક્ષત્રિયો સમાજના બલિદાન આગળ મારા પદની કોઈ કિંમત જ નથી. કોંગ્રેસના મેનિફેસ્ટો અનામત સહિતના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે,
મને પૂરો વિશ્વાસ છે કે, ગુજરાતની તમામ ૨૬ બેઠકો ભાજપને મળવાની છે પરંતુ મારે દરેક બુથ જીતવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં સભાને સંબોધતા પહેલા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં જામસાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી હતી. ગુજરાતમાં આજે સાંજે તેમની ચારેય સભા પતાવી વડાપ્રધાન પશ્ચિમ બંગાળ જવા રવાના થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રીથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવો પ્રાણ ફૂંકાયો છે. ગુરૂવારે પ્રધાનમંત્રીની ચાર સભાનું ગુજરાતમાં આયોજન કરાયું હતું. જેમાં તેમણે પહેલા સભા સરદાર પટેલની કર્મભૂમિ આણંદ ખાતે સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલ્લભવિદ્યાનગરમાં સભા કરી હતી. જેમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ અને ખેડા ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરદાર સાહેબને પણ યાદ કર્યા. પણ આ ભૂમિ પરથી પીએમ મોદીએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં દેશ અને ગરીબોને અન્યાય થયો. સાથે જ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, જે પાકિસ્તાનના હાથમાં બોંબ હતો આજે તેના હાથમાં ભીખનો કટોરો છે..તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે.
સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંવિધાનને બદલવા માંગે છે. કોંગ્રેસે એવી પણ ખાતરી આરી કે એસસી, એસટી, ઓબીસી, ઈડબલ્યુએસની અનામત ક્યાંય નહીં જાય..પીએમ મોદીએ જનતાને જંગી બહુમતિ સાથે મતદાન કરવા અપીલ કરી.
તેમણે કહ્યું હતું કે, શાહજાદા હિમંત હોય તો આવી જાવ. સંવિધાનથી જીવવું અને સંવિધાનથી મરવું શીખવું હોય તો મોદી પાસે આવી જાવ. કોંગ્રેસ મારી ચેલેન્જનો નહીં સ્વીકાર કરે, કેમકે તેમની નિયતમાં ખોટ છે. ઈન્ડિયા ગઠબંધનની વધુ એક પોલ તેમના જ નેતાએ ખોલી દીધી છે. તેઓએ નારો આપ્યો કે વોટ જેહાદ કરો. ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વોટ જેહાદની વાત કરી સંવિધાનની વાત કરી.
અત્યારસુધી લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાંભળ્યું હતું, હવે વોટ જેહાદનો નારો લગાવી રહી છે. ઇન્ડી ગઠબંધનનો ઇરાદો ખુબ ખતરનાક છે. ગુજરાતમાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીં કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં એક નબળી સરકાર ઈચ્છે છે, જેમ કે ૨૦૧૪ પહેલાની સરકાર હતી, એવી સરકાર કે જેના હેઠળ મુંબઈમાં આતંકવાદી હુમલા શક્ય હતા.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં કોંગ્રેસની સરકાર સત્તામાં હતી તે વર્ષોમાં પાકિસ્તાન મોટું થયું અને પાકિસ્તાનના આતંકવાદનું ટાયર પંચર થઈ ગયું છે. તેમણે કહ્યું કે જે દેશ એક સમયે આતંકવાદીઓની નિકાસ કરતો હતો તે દેશ હવે લોટની આયાત કરવા માટે ઘરે-ઘરે ભટકી રહ્યો છે,
જેના હાથમાં એક સમયે બોમ્બ હતો તેના હાથમાં હવે ભીખ માંગવાનો કટોરો છે. કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના આકાઓને ડોઝિયર આપતી હતી, પરંતુ મોદીની મજબૂત સરકાર આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારી નાખે છે.
રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંયોગ જુઓ, આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. મજા એ છે કે અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે. હવે પાકિસ્તાની નેતાઓ કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ પાકિસ્તાન શહજાદાને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે અને કોંગ્રેસ પાકિસ્તાનની ચાહક છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે. (This partnership between Pakistan and Congress is now fully exposed: PM Modi) સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે રેકોર્ડ તોડી નાંખજો, દરેક બૂથ પર ૨૫-૨૫ થાળીઓ વગાડીને મતદાન કરજો. સુરેન્દ્રનગરમાં જન સભા સંબોધીને કોંગ્રેસને આડે હાથે લેતા તેમણે કહ્યુ કે, કોંગ્રેસ લખીને બાંહેધરી આપે કે બાબાસાહેબ આંબેડકરે જે અનામત આપેલું છે
એને ધર્મના આધાર પર દલિતો, આદિવાસીઓ, બક્ષીપંચ પાસેથી લૂંટીને મુસલમાનોને અનામત નહીં આપે. પીએમ મોદીએ લોકોનો હોંસલો વધારતાં જણાવ્યું કે, આ વખતે તમારે બધાએ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાંખવાના છે. ૧૦ વાગ્યા પહેલા દરેક બૂથ પર જઇને ૨૫-૨૫ થાળી વગાડવી અને મતદાન કરવું. બધા પાલિંગ બૂથ આપણે જીતવાના છે.
અગાઉની સરકારોમાં માત્ર કૌભાંડ જ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે જય ગિરનારીના નાદ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગિરનારની ધરતી પર આવું એ મારુ સૌભાગ્ય છે. સંતો-વડીલોને મારા પ્રણામ, તમારો આ પ્રેમ, આશીર્વાદ મારી મૂડી છે. તમારા આપેલા સંસ્કારથી આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે.
આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. મારુ મિશન દેશને આગળ લઈ જવાનું છે. દરમિયાન વડાપ્રધાને કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કાશ્મીરમાં ૩૭૦ કલમ ફરી લાગૂ કરવાનો કોંગ્રેસનો એજન્ડા છે. કશ્મીરમાં કોંગ્રેસ ફરી કલમ ૩૭૦ લાગુ કરવા માંગે છે. કોગ્રેસ સીએએ હટાવવા માંગે છે. કોંગ્રેસના સાંસદ દક્ષિણ ભારતને અલગ કરવાની માગ કરે છે.
કોંગ્રેસના લોકોને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. કોંગ્રેસને ગુજરાત માટે ખૂબ નફરત છે. ગુજરાતના દરિયાકિનારે એવા અનેક ટાપુઓ છે જ્યા કોઈ નથી રહેતુ. કોંગ્રેસ આવા નિર્જન ટાપુઓનો સોદો કરવાની પેરવીમાં છે. કોંગ્રેસની ખતરનાક વિચારધારાથી દેશને સાવધાન રહેવું જોઈએ.