ગુજરાતમાં આ વખતે વરસાદે તોડ્યો ૫૦ વર્ષ જૂનો રેકોર્ડ
અમદાવાદ, રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે ૭૦ ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જાેકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જાેઈએ તેના કરતાં ૫૬ ટકા વધુ નોંધાયો છે.
રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. ૫૦ વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ ૨૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં ૧૧૭, દક્ષિણ ગુજરાતમાં ૮૨ અને સૌરાષ્ટ્રમાં ૬૨ ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ૫૭ ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો ૭૦ ટકા વરસાદ નોંધાયો છે. ૮૬ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના ૩૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના ૫૫ ડેમમાં ૯૦ ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના ૬ ડેમમાં ૮૦ ટકાથી ૯૦ ટકા પાણી ભરાયું છે. જ્યારે ૧૭ ડેમમાં ૭૦થી ૮૦ ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના ૧૨૮ ડેમમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે.
બીજી તરફ નર્મદા ડેમની સપાટી ૧૩૦.૮૬ મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં ૭૪.૧૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૪૪.૨૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૧.૮૧ ટકા, કચ્છના ૨૦ ડેમમાં ૭૦.૩૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૫૫.૨૯ ટકા એમ રાજ્યના ૨૦૭ ડેમમાં ૬૪.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટી ૧૩૦.૮૬ મીટરે પહોંચી ગઈ છે.
રાજ્યના ૨૦૬માંથી ૩૪ ડેમ ઓવરફ્લો થયા છે, ૧૦૦ ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના ૧૩, કચ્છના ૧૩, દક્ષિણ ગુજરાતના ૭ અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના ૧૫ ડેમોમાં ૨૪.૩૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના ૨૦૭ ડેમોમાં ૬૪.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે.SS1MS