બજેટમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડની જોગવાઇ

અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકર્ડનું મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા લઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
નિર્મળ ગુજરાત-૨.૦ અંતર્ગત રાજ્યના ૭(ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી) જિલ્લાના ૧૧ તાલુકાઓમાં સમાવિષ્ટ ૩૭૧ ગામોમાં ડોર-ટુ-ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામ માટે ₹૩૩૦ કરોડની જોગવાઇ. જિલ્લા પંચાયતોને જમીન મહેસૂલ ઉપરના સ્થાનિક ઉપકરનો વધારો મંજૂર થવાથી વધારાના દર પ્રમાણે ચૂકવણું કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના ઇકોસેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા ₹૩૫ કરોડની જોગવાઇ.
ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૨૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે ₹૧૭૯૫ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તથા પીએમ-જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા ₹૧૧૨૯ કરોડની જોગવાઇ.
રાજ્યમાં કુલ ૧૭૭૫૨ ગામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન પ્રોજેકટની નવીન પહેલથી કચરાને ઊર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે. જે માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.
મહિલાઓના સ્વસહાય જૂથ થકી આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ₹૪૦૧ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ૫૧ પ્રોજેક્ટ મારફત ૪૧૯ ગામોને લાભ આપવા માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.
દર વર્ષે થનાર “સરસ મેળાઓ”ની સાથે સાથે રણોત્સવ, પ્રાઇવેટ મોલ, વિશેષ કાર્યક્રમો અને પ્રદર્શનમાં ભાગ લેવા સખી મંડળની મહિલાઓ માટે માર્કેટ અવેન્યુ મળી રહે તે માટે ₹૫ કરોડની જોગવાઇ.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫,૬૪૧ કરોડની જોગવાઇ