Western Times News

Gujarati News

આ વર્ષે માધવપુર મેળાના ભાગરૂપે સૌ પ્રથમ વખત અમદાવાદ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ

3 એપ્રિલે શહેરના ટ્રાન્સસ્ટેડિયા ખાતે સાંજે 7 વાગ્યાથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાશે

1200 જેટલા કલાકારો બોલાવશે રમઝટ-શહેરીજનો https://in.bookmyshow.com/activities/madhavpur-fair-2025-ahmedabad/ET00439848 પરથી ફ્રી રજીસ્ટ્રેશન કરી વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન માધવપુરના મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. ચાર દિવસ માધવપુરમાં મેળો અને પાંચમા દિવસે દ્વારકામાં માતા રૂક્ષ્મણીનો સત્કાર સમારંભ ઉજવાય છે.

શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહનો આ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે વિકસ્યો છે. વર્ષ 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ મેળાએ રાષ્ટ્રીય બહુમાન મેળવ્યું છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સંકલનથી અહીં સાંસ્કૃતિક ઉત્સવ યોજાય છે, જેમાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતી ભવ્ય સંસ્કૃતિ કૃતિઓ કલાકારો રજૂ કરે છે. આ વર્ષે પ્રથમ વખત મોટા સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 એમ 1600 જેટલા કલાકારો પ્રસ્તુતિ કરશે.

‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની વિભાવના સાથે યોજાનાર માધવપુરના મેળાની ઉજવણી આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવનાર છે. પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે મેળાના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અમદાવાદમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.3 એપ્રિલે ટ્રાન્સસ્ટેડિયા ખાતે સાંજના 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ઉત્તર-પૂર્વના રાજ્યો તથા ગુજરાતના 1200 જેટલા કલાકારો દ્વારા આબેહૂબ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરાશે.

શહેરીજનો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વિના મૂલ્યે માણી શકશે. https://in.bookmyshow.com/activities/madhavpur-fair-2025-ahmedabad/ET00439848 પરથી ફ્રી રજીસ્ટ્રેશન કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.