આ વર્ષે રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી જશે
(પ્રતિનિધી) અમદાવાદ, ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ હતી. બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને કચ્છમાં હળવો વરસાદ પડે તેવી આગાહીના પગલે જગતનો તાત મૂંઝવણમાં મૂકાયો હતો.
સદનસીબે ગઈકાલનો દિવસ કોરોધાકોર ગયો હતો. આવા રાહતના સમાચારની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ આજથી ગુજરાતની ધરતી ભીષણ ગરમીમાં ધગધગી ઉઠશે તેવી આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે.
સાઈકલોનિક સકર્યુલેશનના પગલે રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો અને સતત બે દસ્વસ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરાઈ હતી જેના પગલે ગઈકાલે પણ ખેડૂતો ભારે ચિંતાતૂર હતા. જો કે, કુદરતની કરામતથી ખેડૂતોના માથેથી સતત બીજા દિવસની ચૈત્ર મહિનામાં અષાઢી આફત જેવી સ્થિતિ ટળી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવે કાળઝાળ ગરમી ગુજરાતીઓને નડશે.
કેટલાક હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, આવતીકાલથી ગુજરાતીઓ બૂમો પોકારી ઉઠે તેવી ગરમી પડશે. આવતીકાલના ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ જશે. ગુજરાતમાં ગરમીનો કહેર એવો જોવા મળશે કે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે.
૧૮ એપ્રિલથી કચ્છમાં વાદળાં છવાશે તો વડોદરા, આણંદ અને અમદાવાદનું મહત્તમ તાપમાન ૪ર-૪૩ ડિગ્રી રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તરોમાં હળવી પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. ર૭ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી ૪૩ ડિગ્રીની ઉપર પહોંચી જશે.
અમદાવાદમાં ગઈકાલે સૂર્યનારાયણ આકરા તાપે હતા અને શહેરમાં ૪૦.ર ડિગ્રી ત્વચાને દઝાડે તેવી ગરમી પડી હતી જે સામાન્ય કરતાં ૦.૮ ડિગ્રી વધુ હતી. આજે પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ જઈને અટકશે. એટલે બપોરના સમયગાળામાં કામ વગર ઘરની બહારન નીકળવું તે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે હિતાવહ રહેશે.
શહેરમાં આવતીકાલે રામ નવમીના દિવસે ગરમી વધવાની છે અને તેનો પારો ૪૧ ડિગ્રીએ જઈને પહોંચશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. આમાં આશ્ચર્યની બાબત એ છે કે, આશિંક વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે ગરમીનો પ્રકોપ અમદાવાદીઓને દઝાડવાનો છે.