ફળોના રાજા કેરી માટે આ વર્ષ અતિ ભારે રહેશે
જૂનાગઢ, ઉનાળો આવતા જ કેસર કેરીના રસિકો કાગડોળે કેસર કેરીની રાહમાં હોય છે, ત્યારે આ વખતે વાતાવરણની પ્રતિકૂળતાને લીધે કેરીના પાકમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના લીધે આ વખતે કેરીના પાકમાં ખૂબ નુકસાની જવાની ભીતિ સેવવામાં આવી રહી છે.
હાલમાં આંબામાં પાકમાં જે પ્રકારના ફેરફારો થવા જોઈએ અને કેરી આવવી જોઈએ તે પ્રકારે વાતાવરણને આનુસંગિક ફેરફારો જોવા મળ્યા નથી અને હાલમાં વાતાવરણને વિરુદ્ધ ફેરફારો આંબાના પાકમાં જોવા મળ્યા છે. તેથી આ વખતે કેરી ઓછી અને મોળી આવશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
હાલ આ સમગ્ર પરિસ્થિતિ મામલે જૂનાગઢના કૃષિ યુનિ.ના બાગાયત વિભાગના ડીન ડી.કે.વરુ દ્વારા માહિતી આપવામાં આવી હતી. વાતાવરણની જો વધુમાં વધુ અસર કોઈ પાકને થતી હોય તો તે આંબો છે. આ વર્ષે જોઈએ તે મુજબનું વાતાવરણ સર્જાયું નથી.
લગભગ ૧૫ નવેમ્બર પછી ફ્લાવરીંગ આવવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મોટા ભાગનું ફ્લાવરિંગ આવી જતું હોય છે. આંબામાં વાતાવરણ સિવાય પણ ઘણા પરિબળો જવાબદાર હોય છે, પણ વાતાવરણ મુખ્ય ભાગ છે.
જો આંબામાં કેરીનો પાક સારો આવે તેવી શક્યતા ત્યારે જ થઈ શકે જો વાતાવરણમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે. રાત્રીના સમયે ૧૫ ડિગ્રી અને સવારના સમયે એટલે કે, દિવસ દરમિયાન આ તાપમાન ૨૫ ડિગ્રી સુધી રહે તો જ કેરીનો સારો પાક આવી શકે.
હાલમાં વાતાવરણની વિસંગતતાને લીધે આ વર્ષે ભયંકર ફેરફારો નોંધાયા છે. હાલમાં પણ દિવસ દરમિયાન તાપમાન ૩૫ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. આમ લગભગ ૨૨ ડિગ્રી સુધીનો ફેરફાર રાત્રે અને દિવસ દરમિયાન નોંધવા લીધે કેરીના પાક પર માઠી અસર વર્તાઈ રહી છે.
જૂનાગઢના અમુક ગીર વિસ્તારોમાં આ પાકનું આગમન થયું છે, પણ ઋતુગત ફેરફારોની માઠી અસર તો આ પાક પણ નોંધાઈ છે. અમુક એવા પણ બગીચાઓ છે કે, જેમાં ગતવર્ષે ફ્લાવરિંગ નથી આવ્યું તેમાં હાલ આવી રહ્યું છે.SS1MS