સોશિયલ મીડિયા પર રીલ બનાવનારા એક્ટિંગ ના કરી શકેઃ આહના કુમરા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/Ahna-Kumra.jpg)
મુંબઈ, એક્ટર આહના કુમરાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પૂરાં કર્યાં છે. અમિતાભ બચ્ચન સાથે ટીવી શો યુદ્ધથી શરૂઆત કરનારી આહનાએ બાદમાં ‘લિપસ્ટિક અંડર માય બુરખા’, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘ઈન્ડિયા લોકડાઉન’ અને ‘સલામ વેન્કી’ જેવી ફિલ્મોથી આહના જાણીતી બની હતી.
આહનાનું નામ અને ચહેરો પરિચિત હોવા છતાં તેને કામ મેળવવાનું અઘરું લાગે છે. આહના માને છે કે, સોશિયલ નેટવર્કિંગ અત્યારે મહત્ત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર રીલ બનાવી નામ કમાઈ જનારા લોકોને ઝડપથી રોલ મળી રહ્યા છે. આ સ્થિતિ ચાલુ રહેશે તો ભારતમાં એક્ટર્સની તંગી વરતાવા માંડશે.
આહનાએ જણાવ્યું હતું કે, તેણે કરિયર શરૂ કરી તેની સરખામણીએ અત્યારે કામ મેળવવાનું વધુ અઘરું છે. ઘણાં એક્ટર્સ મૂંઝાય છે કારણ કે, તેમને એક્ટિંગના બદલે સોશિયલ મીડિયા અને પીઆર એજન્સી પર વધારે ધ્યાન આપવાની સલાહ મળે છે.
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને ધ્યાને રાખીને કાસ્ટિંગ કરવામાં આવે છે. જે ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની ઈચ્છા હોય, તેઓ પણ કહેવાતા ઈન્ફ્લુએન્સરની પાછળ દોડતાં હોય છે. એક્ટર્સને આખરે મૂંઝવણ જ થાય ને! સોશિયલ મીડિયા પર ડાન્સ કરવો અને રીલ બનાવવાથી કામ મળી જતું હોય તો પછી એક્ટિંગની જરૂર નથી. કેટલાકને મિમિક્રી કરવાની કે ગીતો ગાવાની ઈચ્છા થઈ શકે છે.
જો કે સોશિયલ મીડિયા પર છવાઈ જનારા લોકો માટે આનાથી વધારે કશું કરવાનું શક્ય નથી. ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઈનસાઈડર હોય તો તેને ૨૦-૩૦ ફિલ્મો સુધી નસીબ અજમાવવાની તક મળે છે અને ત્યાં સુધીમાં તેને એક્ટિંગ આવડી જાય છે. જ્યારે આઉટસાઈડર્સ માટે સ્થિતિ પહેલેથી અઘરી હોય છે.
વળી, તેમાં આ સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. આહના માને છે કે, ફિલ્મી પરિવારોમાં બાળકને પાંચ વર્ષનું હોય ત્યારથી આ માહોલ અને એક્ટિંગ શીખવવામાં આવે છે. અહીંયા સગાવાદ ભરપૂર છે. એક્ટર્સના બદલે ઈન્ફ્લુએન્સર્સને પ્રાધાન્ય આપવાની આ માનસિકતાના કારણે ભારતની ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સની અછત ઊભી થવાનું નિશ્ચિત છે.SS1MS