Western Times News

Gujarati News

ફ્રાંસમાં સદીના વિનાશક તોફાન ‘ચિડો’માં હજારોના મોતની શંકા

પેરિસ, ફ્રાન્સના ટાપુ માયોટમાં ચક્રવાત ‘ચિડો’એ ભારે વિનાશ વેર્યાે છે. ફ્રેન્ચ હિંદ મહાસાગરના કિનારે ટકરાયેલા સદીના સૌથી ખરાબ તોફાનને પગલે હજારો લોકોના મોત થયા હોવાની આશંકા છે એવી માહિતી વરિષ્ઠ ફ્રેન્ચ અધિકારીએ આપી હતી.માયોટ આફ્રિકાના પૂર્વ કિનારાથી દૂર હિંદ મહાસાગરમાં મડાગાસ્કરની પશ્ચિમે આવેલું છે. માયોટ પર ફ્રાન્સનું નિયંત્રણ છે. તે ફ્રાન્સથી ૭,૮૩૭ કિમી. દૂર છે.

‘ચિડો’ને છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી વિનાશક તોફાન ગણવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની આશંકા છે. ફ્રેન્કોઇસ-ઝેવિયર બ્યુવિલે માયોટની સ્થાનિક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે, “મારા મતે હજારો લોકોનું મૃત્યુ થવાની આશંકા છે.”

ફ્રાન્સના આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે, “તમામ મૃતકોનો હિસાબ રાખવાનું મુશ્કેલ બનશે.” ફ્રેન્ચ સરકારે જણાવ્યું હતું કે, “ચક્રવાત ચિડો રાતે માયોટને ટકરાયું ત્યારે પ્રતિ કલાક ૨૨૫ કિમી.ની ઝડપે પવન ફુંકાયો હતો. તેને લીધે ઘણા રહેઠાણો, સરકારી ઇમારતો અને એક હોસ્પિટલને નુકસાન થયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માયોટમાં છેલ્લા ૯૦ વર્ષમાં આવેલું આ સૌથી વિનાશક તોફાન છે.માયોટની રાજધાની મમુદ્‌ઝુના રહેવાસી મહોમ્મદ ઇશ્માઇલે જણાવ્યું હતું કે, “આપણે દુખદ સમયનો અનુભવ કરી રહ્યા છીએ. એવું લાગી રહ્યું છે કે જાણે આપણે પરમાણુ યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં જીવી રહ્યા છીએ. મેં નજર સામે તમામ પાડોશીઓને મોતને ભેટતા જોયા હતા.” ફ્રાન્સે શેર કરેલા હવાઇ ફૂટેજમાં માયોટના એક ટાપુ પર હજારો કામચલાઉ ઘરોનો કાટમાળ નજરે પડતો હતો.

સ્થાનિક મીડિયાએ શેર કરેલી તસવીરોમાં પોલીસની ઊંધી વળેલી હોડીઓ કિનારા પર તરતી હતી. જ્યારે ધરાશાયી થયેલા નાળિયેરીના વૃક્ષોને કારણે ઘણી ઇમારતોના છાપરા તૂટી ગયા હતા.ળેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે, “માયોટના લોકો સાથે મારી સંવેદના છે. છેલ્લો કેટલોક સમય તેમના માટે ભયાવહ રહ્યો છે. કેટલાકે તમામ સંપત્તિ ગુમાવી છે તો ઘણાએ જીવ ગુમાવ્યો છે.”

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દાયકામાં લોકોએ પૂર્વ આફ્રિકાના કિનારે આવેલા કોરોરોસથી માયોટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે છે. માયોટમાં જીવનધોરણ ઊંચું છે અને તેને ફ્રાન્સની વેલ્ફેર સિસ્ટમનો લાભ મળે છે. ફ્રેન્ચ સરકારના જણાવ્યા અનુસાર માયોટમાં એક લાખથી વધુ લોકો ગેરકાયદે રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.