ભાગમાં રાખેલું અજમાનું વાવેતર ટ્રેક્ટરથી ખેડી નાંખી ખેડૂતને ધમકી આપી
ડરણના ખેતરમાં બે મહિના અગાઉ અજમાનું વાવેતર કર્યુ હતું
મહેસાણા, કડી તાલુકાના ડરણ ગામના ખેડૂતની ગામની સીમમાં આવેલ ખેતરમાં કરાયેલ અજમાના વાવેતરને ગામના જ એક શખ્સે રાત્રે ટ્રેક્ટરથી ખેડી નુકસાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. ઉપરોક્ત ઘટના અંગે ખેડૂતે બાવલુ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
બાવલુ પોલીસે ફરિયાદના આધારે વાવેતરને ખેડી નાંખી ખેડૂતને ધમકી આપનાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડરણ ગામના દામોદરીપુરામાં પરિવાર સાથે રહેતા ખેડૂત વિષ્ણુભાઈ ખોડાભાઈ પટેલે ગામની સીમમાં આવેલ સર્વે નં.૨૧૮૩વાળી ત્રણેક વીઘા જમીનમાં બે મહિના અગાઉ ભાગમાં અજમાનું વાવેતર કર્યુ હતું. પાંચ દિવસ અગાઉ રાત્રિના સમયે કોઈ કારણોસર ગામમાં રહેતા દશરથજી બળદેવજી ઠાકોરે તેમના ખેતરમાં ટ્રેક્ટર લઈ જઈ અજમાનું વાવેતર ખેડી નાંખ્યુ હતું. આ અંગે શેઢા પાડોશી ખેડૂતે વિષ્ણુભાઈ પટેલને જાણ કરી હતી.
ત્યારબાદ ખેતરમાં ટ્રેક્ટર ફેરવી અજમાના વાવેતરને નુકસાન પહોંચાડનાર દશરથજી ઠાકોરે ખેડૂતના ઘરે પહોંચી તેમને નુકસાનીનો ખર્ચાે ન આપવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી જતો રહ્યો હતો.
ઉપરોક્ત ઘટનાથી ડઘાઈ ગયેલ ખેડૂતે સામાજિક પ્રસંગમાં વ્યસ્ત હોવાથી બાવલુ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વાવેતરને નુકસાન પહોંચાડી ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.