BJPના કાઉન્સિલરને ધમકી આપવી ભારે પડીઃ ગુનો દાખલ કરાયો
BJPના કાઉન્સિલર સામે ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકીનો ગુનો
વડોદરા, વડોદરાના માંજલપુર વિસ્તારમાં બહુચર્ચીત ભાજપના કાઉન્સિલરની સામે આખરે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા રીવોલ્વર ટેબલ પર મુકીને ગર્ભીત ધમકી આપી હોવાનો ગુનો દાખલ કરવાની પોલીસને ફરજ પડી હતી. છેલ્લા સાડા ચાર વર્ષથી પોલીસ સ્ટેશનનો ધક્કા ખાનાર સિનિયર સિટીઝનને અદાલતે ન્યાય અપાવતાં પોલીસે કાઉન્સિલરની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
માંજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એ.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના ભાગીદાર પ્રાણનાથ એસ. શેટ્ટી (રહે. ગજાનંદ સોસાયટી, માંજલપુર નાકા) એ જણાવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર કલ્પેશ મનુભાઈ પટેલે માંજલપુર વિસ્તારમાં આવેલી વૈષ્ણોદેવી સોસાયટીના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી બે દુકાનો તેમજ બીજો અને ત્રીજો માળ દોઢ કરોડમાં આપવાનું કહી એક કરોડ લઈ લીધા હતા.
પરંતુ તે મિલ્કતપર બેન્ક ઓફ બરોડામાં તારણમાં મુકી હતી જેની ૧.૧૦ કરોડ જેટલી રકમ બાકી પડે છે આ મિલકત વેચાણ કરતાં અગાઉ બરોડા સીટી કો.ઓ.બેન્ક લી. માંજલપુર શાખામાં પણ ગીરો મુકેલ હતી તેની પણ જાણ કરાઈ ન હતી.
સિનિયર સિટીઝન પ્રાણનાથ શેટ્ટી જયારે પણ પૈસા પરત લેવા માટે જતા હતા ત્યારે કલ્પેશ પટેલ કહેતો હતો કે, હું વગદાર વ્યક્તિ છું. ખૂબ મોટા રાજકારણીઓ સાથે મારી ભાગીદારી છે. તેઓ ધારે તે કરી શકે છે. એટલી તાકાત છે કે, તમને ઘરે પણ જવા ના દે, તેવી ગર્ભિત ધમકી આપી હતી ત્યારબાદ તેણે જાણી જોઈને રિવોલ્વર ટેબલ ઉપર મુકી સાફ કરી તેનું ટ્રિગર દબાવી મારા પર ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. કાઉનસિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ કાઉન્સિલર બન્યા બાદ સતત વિવાદોમાં રહેતા આવ્યા છે.