પાકિસ્તાનથી થયા હતા અમદાવાદ-દિલ્હીની સ્કૂલને ધમકી ભર્યા મેઈલ
(એજન્સી)અમદાવાદ, પહેલાં દિલ્હી અને તે પછી અમદાવાદની સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી આપનારા ઈ-મેઈલ મળ્યા બાદ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઈ-મેઈલ પાકિસ્તાનથી કરવામાં આવ્યા હતા. Threatening mails to Ahmedabad-Delhi schools were received from Pakistan
અમદાવાદમાં ર૮ જેટલી સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે કહ્યું હતું કે, આ ઈ-મેઈલ રશિયન ડોમેનથી થયા હતા અને હવે આ ઈ-મેઈલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે. રશિયાથી પાકિસ્તાનનું કનેકશન સામે આવતા અંતે ક્રાઈમ બ્રાન્ચ સેન્ટ્રલ એજન્સીઓની મદદ લે તેવી શક્યતા છે.
ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીના એક દિવસ પહેલાં શહેરની અલગ અલગ ર૮ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ આવ્યા હતા. આ ધમકીભર્યા ઈ-મેઈલ વિદેશમાંથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તે સમયે રશિયન ડોમેનથી ઈ-મેઈલ થયા હતા.
બીજી તરફ હવે ઈ-મેઈલની તપાસ કરતાં કરતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પાકિસ્તાન કનેકશન મળ્યું છે એટલે હવે આ ઈ-મેઈલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી છે. ઈ-મેઈલકાંડમાં આઈએસઆઈનો હાથ નથી તેવું પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી છે પરંતુ દિલ્હી અને અમદાવાદની સ્કૂલોમાં મળેલા ઈ-મેઈલ એક જ ડોમેનથી થયા હોવાનો ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે.
તાજેતરમાં જ દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાંખવાની ધમકી મળી હતી. ચૂંટણીના એક દિવસ પહેલાં જ ર૮થી વધુ સ્કૂલોને ધમકી મળતાં પોલીસતંત્ર અને બોમ્બે ડિસ્પોઝલ સ્કવોર્ડ દોડતા થયા હતા અને તપાસ હાથ ધરી હતી.
રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાન કનેકશન ખુલતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું હતું ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા હતા જેના લીધે આવી ધમકીથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરમાં આવેલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા જેને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ, સાફબર ક્રાઈમ, એસઓજી અને અમદાવાદ પોલીસે તાત્કાલિક બીડીડીએસ ચેકિંગ, ડોગ સ્કવોર્ડ દ્વારા સ્કૂલોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે, સ્કૂલોમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહીં આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ ટેકનિકલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ ચાલુ કરી હતી. અમદાવાદની વિવિધ સ્કૂલોને મળેલા ઈ-મેઈલ અંગે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઈલ ખાસ સર્વરથી તૈયાર કરાયેલા ડોમેનથી ડાર્ક વેબની મદદથી મોકલાયા હતા જેથી તેને ટેકનિકલી ટ્રેક કરવામાં લાંબો સમય જાય છે. દિલ્હી અને અમદાવાદમાં આવેલા ધમકીના ઈ-મેઈલ એક જ ડોમેન પરથી આવ્યા હતા.