પાકિસ્તાનમાં ન્યાયતંત્ર પર જોખમ આઠ ન્યાયાધીશોને મોતની ધમકી મળી
ઈસ્લામાબાદ, આતંકવાદનો પર્યાય બની ગયેલા પાકિસ્તાનમાં લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત રહે છે. જોકે, હવે જજોની જિંદગીને ખતરો પેદા થયો છે.
મંગળવારે પ્રગટ થયેલા મીડિયાના એક અહેવાલ મુજબ, ચીફ જસ્ટિસ આમિર ફારુક સહિત ઇસ્લામાબાદ હાઇકોર્ટના આઠ જજોને ધમકી ભર્યા પત્રો મળ્યા છે. આ પત્રમાં શંકાસ્પદ પદાર્થ પણ મળ્યો હતો. આ પહેલા ન્યાયિક મામલામાં પાકિસ્તાનની શક્તિશાળી જાસૂસી એજન્સી આઈએસઆઈનો હસ્તક્ષેપ હોવાનો આરોપ લાગી ચૂકયા છે. આ ઘટનાક્રમ પછી જજોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
આ પહેલા ઇસ્લામાબાદ હાઇકોર્ટના છ જજો દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કાજી ફૈસ ઇસાને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે દેશની જાસૂસી એજન્સીઓ દ્વારા ન્યાયિક મામલામાં હસ્તક્ષેપની ફરિયાદ કરી હતી. પત્ર મળ્યાની પુષ્ટિ કરતા ફારુકે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે આ ઘટનાને કારણે દિવસની સુનાવણીમાં વિલંબ થયો હતો.
પાકિસ્તાનના મીડિયામાં સૂત્રોના હવાલાથી એક અહેવાલ પ્રગટ થયો, જેમાં જણાવ્યું છે કે જ્યારે બે જજોને સ્ટાફે પત્ર ખોલ્યા તો તેની અંદર પાઉડર મળ્યો અને પછી આંખમાં બળતરાનો અનુભવ થયો. સાવધાનીના ભાગ રુપે સેનેટાઇઝરનો ઉપયોગ કરી અને હાથ ધોઈને રાહત મળી હતી.
ઇસ્લામાબાદ પોલીસની નિષ્ણાતોની ટીમ શંકાસ્પદ પાઉડરની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પત્ર કથિત રીતે એક મહિલા દ્વારા લખવામાં આવ્યો હતો. કોર્ટે સમગ્ર મામલે પોલીસની ટીમને બોલાવી હતી.
સાથે જ પત્રોની વધુ તપાસ કરવા માટે એન્ટિ ટેરરિસ્ટ ડિપાર્ડમેન્ટને સોંપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના ચીફ જસ્ટિસ દ્વારા જાસૂસી એજન્સીઓના હસ્તક્ષેપ અંગે હાઈકોર્ટ જજોના પત્ર પર સુઓ મોટો કાર્યવાહી કરવાની જાહેરાતના એક પછી બની છે.SS1MS