કેનેડા વિઝા સ્કેમમાં પકડાયેલા ત્રણને આરોપમાંથી કરાયા મુક્ત
અમદાવાદ, વિદેશમાં રહેવાની આકાંક્ષા ધરાવનારા પોતે જ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું અવલોકન કરતાં શહેરની સેશન્સ કોર્ટે કેનેડા વિઝા સ્કેમ કેસના ત્રણેય લોકોને મુક્ત કર્યા હતા. આ ત્રણેય મહેસાણા જિલ્લાના વતની છે.
આ કેસમાં, ૨૦૧૫માં શહેરના એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેક દરમિયાન કેનેડા માટે વર્ક પરમિટ બનાવટી હોવાનું જણાયા પછી, સરદારનગર પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ પર વિશ્વાસભંગ, છેતરપિંડી, બનાવટી તેમજ ગુનામાં મદદ કરવા સહિતના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
સતીષ ચૌધરી, જયકિશન ચૌધરી અને નિલેશ ચૌધરી કેનેડા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન ચેક અને બુકિંગ પછી તેમની અટકાયત કરવામાં આવી હતી. અન્ય બે શખ્સ, ભરત ચૌધરી અને પુંદ્રિક રાવલ પર ત્રણેય માટે વર્ક પરમિટ અને વિઝાનું મેનેજમેન્ટ કરવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.
પોતાના પર કથિત ગુના માટે કેસ ચલાવવામાં આવી હોવાથી મુક્ત કરી દેવા માટેની વિનંતી ત્રણેયે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ કરી હતી.પરંતુ કોર્ટે ૧૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ તેમની અરજી રદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે શહેરના સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.
તેમના વકીલે રજૂઆત કરી હતી કે, ત્રણેયની વિરુદ્ધ કંઈ નથી અને તેમની સામે આરોપો ઘડી શકાય નહીં. વકીલે કહ્યું હતું કે, ત્રણેય પોતે જ ભરત અને પુંદ્રિક દ્ધારા કરવામાં આવેલી છેતરપિંડીનો શિકાર બન્યા હતા.
કોર્ટે એ દલીલ સ્વીકારી હતી કે તેઓ કેનેડા જવા માટે આતુર હતા અને વિઝા તેમજ વર્ક પરમિટ મેળવવાના બિઝનેસમાં જાેડાયેલા બંને શખ્સનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓએ તેમને તેમના પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા.
બંનેએ તેમની પાસેથી કથિત રીતે ૧૦-૧૦ લાખ રૂપિયા લીધા હતા. તેવી પર રજૂઆત કરવામાં આવી હતી કે, ત્રણેય લોકોએ તેમના ઓરિજિનલ પાસપોર્ટ કે વિઝા સાથે ચેડા કર્યા નથી કે નકલી પાસપોર્ટ પર કેનેડા જવાનો પ્રયાસ કર્યો નથી.
તેમને છેતરપિંડી વિશે કોઈ ખ્યાલ નહોતો અને ઈમિગ્રેશન ચેકના સમયે જ જાણ થઈ હતી. કેસની સુનાવણી કર્યા બાદ, સિટી સેશન્સ જજ શુભદા બક્ષીએ જણાવ્યું હતું કે, ‘તેવી કોઈ સામગ્રી નથી કે જે અરજદારો-આરોપીઓ સામે આરોપ ઘડવાનું વોરંટ આપે, કારણ કે તેઓ દેખીતી રીતે આરોપીઓ ભરત અને પુંદ્રિક દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગે છે. આ સિવાય તેમણે કેનેડા માટે વર્ક પરમિટ મેળવવા નકલી પાસપોર્ટ કે બોગસ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા નહોતા’.SS1MS