ઈસનપુરમાં ત્રણ ભાઈઓએ બે મિત્ર પર છરી વડે હુમલો કર્યાે
હુમલો કર્યા બાદ હુમલાખોરોએ ઈજાગ્રસ્ત યુવકને ધમકી આપી
(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં મોડી રાતે ત્રણ ભાઈ સહિત ચાર યુવકે બે મિત્ર પર છરી તેમજ બેઝબોલની સ્ટિક વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. બે મિત્ર સોસાયટી પાસે ઉભા રહીને વાતો કરતાં હતા ત્યારે ત્રણ ભાઈ સહિત ચાર જણા તેમની પાસે આવ્યા હતા અને કોઈપણ કારણવગર હુમલો કરી દીધો હતો.
હુમલા બાદ હુમલાખોરોએ ઈજાગ્રસ્ત યુવકને ધમકી આપી કે હવે જો તું અહીં દેખાઈશ તો તને જાનથી મારી નાંખીશું. ઈસનપુર વિસ્તારમાં આવેલા રાજ મંજિલ ફાહિયા કોલોનીમાં રહેતો અને આઈટીઆઈમાં અભ્યાસ કરતાં શહેઝાન આસિફખાન પઠાણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં રોહન કાદરી, અનિક કાદરી, શહેઝાન કાદરી સહિત ચાર લોકો વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે.
શહેઝાન પઠાણ ઈસનપુર વિસ્તારમાં આવેલો મોગલ પાર્ક સોસાયટીના ગેટ પાસે મિત્ર અયાઝ પાસે ઉભો રહીને વાતો કરતો હતો ત્યારે રોહન તેનો ભાઈ અનિક અને શહેઝાન સહિત ચાર લોકો આવ્યા હતા. શેહઝાન કાદરીએ આવતાંની સાથે જ શેહઝાન પઠાણને ધક્કો માર્યાે હતો. જેથી તેણે ધક્કો કેમ મારે છે તેવું કહ્યું હતું. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે શહેઝાન પઠાણને ચારેય લોકોએ માર મારવાનું શરૂ કરી દીધું હતું.
ચાર પૈકી એક જણાએ તેની પાસે રહેલી છરી કાઢી હતી અને શહેઝાનને બે ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ રોહન તેમજ અનિકે તેને બેઝબોલ સ્ટિકથી ફટકાર્યાે હતો. મિત્રને માર ખાતો જોઈને અયાઝ તેને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો પરંતુ ચારેય જણાએ તેના ઉપર પણ છરી તેમજ બેઝબોલ સ્ટિક વડે હુમલો કરી દીધો હતો. શહેઝાન અને અયાઝ ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતા અને બાજુની સોસાયટીમાં સંતાઈ ગયા હતા.
શહેઝાન ભાગી રહ્યો હતો ત્યારે હુમલાખોર યુવક તેની પાસે આવીને કહેવા લાગ્યો હતો કે હવે તું અહીં દેખાઈશ તો તને જાનથી મારી નાંખીશું. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ઈસનપુર પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં તેમણે ત્રણ ભાઈ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.