પાલીતાણા નજીક ડમ્પર સાથે બાઈક અથડાતાં ત્રણ પિતરાઈ ભાઈનાં મોત

ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક ભીલવાડા રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બાઈક રોડ પર પડેલા ડમ્પર સાથે અથડાતા ત્રિપલ સવારી બાઈક પર જતા ત્રણ પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.
આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા તેમના બે પિતરાઈ ભાઈઓ દીપકભાઈ શામજીભાઈ વાઘેલા અને રાહુલભાઈ વાઘેલા સાથે બાઈક પર પાલીતાણાથી થોરાળી ગામ તરફ જઈ રહ્યા હતા.
ત્યારે ભીલવાડા વિસ્તાર નજીક રોડ પર પાર્ક કરેલા ડમ્પર સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કમલેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દીપકભાઈ અને રાહુલભાઈને ગંભીર ઈજાઓ થતાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેએ દમ તોડ્યો હતો.
આ દુર્ઘટનાની જાણ થતાં જ પાલીતાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી થોરાળી ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.SS1MS