ડૉક્ટર્સના સારા સ્વાસ્થ્ય માટે ત્રિદિવસીય ધ્યાનશિબિરનો શિવકૃપાનંદ સ્વામીજીના હસ્તે પ્રારંભ

ડૉક્ટર વેલકોન 2025નો અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના હસ્તે પ્રારંભ
કર્મમુક્ત અવસ્થા માત્ર યોગથી જ સંભવ છે – સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
- આજના સમયમાં વિશ્વને ધ્યાનની સૌથી વધારે જરૂર છે – સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
- અપેક્ષાનો સંબંધ શરીર સાથે હોય છે, જ્યારે ધ્યાનનો સંબંધ આત્મા સાથે હોય છે – સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
અમદાવાદ, સમગ્ર સમાજના આરોગ્યની વાત કરીએ તો ડૉકટર્સ તેના આધાર સ્તંભ છે. જો ડૉકટર્સ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ બનશે. સતત પેશન્ટ અને બીમારીઓ તેમજ નકારાત્મક વાતાવરણની અસર ડૉકટરના સ્વાસ્થ્ય પર પણ પડે છે અને એટલે જ આજે ડૉકટર અનેક પ્રકારે સ્ટ્રેસ અનુભવે છે. આ બધામાંથી મુક્ત થઈ સુંદર સકારાત્મક, શાંત જીવન જીવવાનો એક માત્ર ઉપાય એટલે ‘ધ્યાન’.
હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાન્નિધ્યમાં તારીખ ૭ માર્ચ, ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (એલ.જી. હોસ્પિટલ) ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે ડૉ.વેલકોન 2025, ત્રિદિવસીય ધ્યાનશિબિરનો પ્રારંભ થયો છે.
કાર્યક્રમનો પ્રારંભ તબીબી જગતના વરિષ્ઠ મહાનુભાવો તેમજ હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા દીપ પ્રજવલન દ્વારા થયો હતો. દીપ પ્રજવલન બાદ તબીબો જેની લાંબા સમયથી રાહ જોતા હતા એ ઘડી આવી પહોંચી અને ઓડિટોરિયમમાં પૂજ્ય સ્વામીજીનું આગમન થયું.
ગુરુઆહ્વાન બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો. પૂજ્ય સ્વામીજીએ કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું કે તેમને સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં વિચાર આવેલો કે ડૉકટર્સ માટે શિબિરો કરવી જોઈએ. ત્યાર બાદ પૂજ્ય સ્વામીજીએ ડૉકટર્સે ધ્યાન શા માટે કરવું જોઈએ એ ઉપર વિશેષ માર્ગદર્શન આપ્યું. યોગ અને યોગાસન વિશેનો તફાવત જણાવતાં પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે યોગાસન એ યોગ નથી, યોગાસન એ માત્ર યોગનો એક ભાગ છે. યોગ મનુષ્યને મનુષ્ય સાથે જોડે છે. યોગથી જ વસુધૈવ કુટુમ્બની કલ્પના સાકાર થઈ શકે છે.
આ ઉપરાંત પૂજ્ય સ્વામીજીએ આભામંડળ, અપેક્ષા, ધ્યાનનું મહત્ત્વ, ગુરુસાન્નિધ્યનું મહત્ત્વ, જીવંત ગુરુનું મહત્ત્વ, આત્મસાક્ષાત્કાર વગેરે વિષયો પર ગહન માર્ગદર્શન આપ્યું હતું. પ્રવચન બાદ ઉપસ્થિત તમામ ડૉકટર્સને પૂજ્ય સ્વામીજીના પાવન સાન્નિધ્યમાં ધ્યાન કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. ધ્યાનની સમાપ્તિ બાદ પૂજ્ય સ્વામીજી સાથે એક આધ્યાત્મિક પ્રશ્નોતરીના ચર્ચાસત્રનું આયોજન હતું, તેનો ઘણા તબીબોએ લાભ લીધો.
ડૉક્ટર વેલકોન 2025 માં ઑરા ફોટોગ્રાફી, આધ્યાત્મિક પ્રદર્શની, આધ્યાત્મિક ચર્ચાસત્ર વગેરે એક્ટિવિટીનું પણ ગુરુતત્ત્વ ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેનો તબીબોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 30 વર્ષથી હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના માધ્યમથી ધ્યાનને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. આજે 72થી પણ વધારે દેશોમાં હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના માધ્યમથી લોકો પોતાની આધ્યાત્મિક તેમજ સર્વાંગીણ પ્રગતિ કરી રહ્યા છે. ડૉક્ટર વેલકોન 2025 ના સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ગુરુતત્ત્વ’ યુ ટ્યુબ ચેનલ પર કરવામાં આવી રહ્યું છે જેનો મોટી સંખ્યામાં ડૉક્ટર્સ લાભ લઈ રહ્યા છે.
વધુમાં વધુ ડૉક્ટર્સ ધ્યાન માર્ગ અપનાવી પોતાના જીવનને સરળ અને સુંદર બનાવે તે માટે ગુરુતત્ત્વ ટીમ અને હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ પરિવારના સાધકો સહિત બધા પ્રયત્નશીલ છે. ધ્યાન અંગે વધારે જાણકારી ગુરુતત્ત્વ વૈશ્વિક મંચની વેબસાઈટ gurutattva.org પરથી અને યુટ્યુબ ચેનલ ‘ગુરુતત્ત્વ’ પરથી પ્રાપ્ત કરી શકીએ છીએ.