ત્રણ દિવસ રાજ્ય માટે ભારે: મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ
વડોદરામાં ધોધમાર વરસાદ, નડિયાદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
અમદાવાદ, આજ સવારથી અસહ્ય ઉકળાટ બાદ રાજ્યનાં સુરત સહિત દક્ષિણના કેટલાંક જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતમાં બપોર બાદ વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના કેટલાંક ગામોમાં તથા નડિયાદ શહેરમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. સુરતમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે.
વડોદરામાં પણ બપોર બાદ વરસાદ પડવાનો શરૂ થયો હતો. આવતીકાલથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેનાં પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ એલર્ટ કરાયાં છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જાેર વધશે. જે અંતર્ગત આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં વડોદરામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ બપોર બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
જેમાંરાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુરમાં વરસાદ પડ્યો હતો.તેમજ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ નવાપુરા અને પ્રતાપનગર રોડ પર પણ પાણી ભરાયા છે. જ્યારે પાણી ભરાવવાના લીધે અલકાપુરીથી સ્ટેશન જવા માટેનો રસ્તો બંધ થયો છે. દરમિયાન નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.જેમાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે. ૭ જુલાઈ એ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. આગાહીને પગલે તંત્ર સાબદું બન્યું છે.