લૂંટ કેસમાં મહિલા સહિત ત્રણ નેપાળીને ઝડપી પાડવામાં આવ્યા
રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે ૧૫.૨૫ લાખની મતાની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં એક મહિલા સહિત ત્રણ જેટલા નેપાળી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આરોપી ટોળકીને ઝડપી પાડનાર તમામ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને ૧,૦૦,૦૦૦નું ઇનામ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા લૂંટના બનાવવામાં સામેલ સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના શાહી (ઉવ.૧૯) તેમજ તેના પ્રેમી પવનપ્રકાશ શાહી (ઉવ.૩૮) તેમજ નેત્ર શાહી (ઉવ.૪૩)ની ધરપકડ કરવામાં આવી છે.
સુશીલા તેમજ પવન પ્રકાશની વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ છે. પોતાના વતનમાં કોઈ કામ ધંધો ન મળતો હોવાથી આશરે બે થી અઢી મહિના પૂર્વે કામ ધંધાની શોધમાં નેપાળથી રાજકોટ આવ્યા હતા. સુશીલા અને પવન પ્રકાશની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી.
જે બાદ સુશીલા ઘરઘાટી તરીકે કામ કરવા લાગી હતી. આ દરમિયાન જ તેમણે મોટા પ્રમાણમાં રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળે તે પ્રકારની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટના પ્લાન મુજબ બપોરના સમયે ઘરે હાજર હોય ત્યારે કેટલા સભ્યોને ખાવા પીવાની વસ્તુમાં ઘેનની ગોળી નાખવાની હતી.
જે અંતર્ગત બપોરના સમયે ઘરે હાજર રહેલા માતા તેમજ દીકરાને દૂધમાં ઘેનની ગોળી નાખી આપવામાં આવી હતી. માતા તેમજ પુત્ર બંને સૂઈ જતા સુશીલા તેમજ પવનપ્રકાશ દ્વારા ઘરમાં રહેલ રોકડ તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જાેકે ફરિયાદી ઉર્વશીબેન જાગી જતા તેમણે સુશીલા અને પવનપ્રકાશને પડકાર્યા હતા.
પોતાનો ભાંડો ફૂટી જશે તેવું વિચારી સૌપ્રથમ તેમણે ઉર્વશીબેન ને બાથરૂમમાં પૂરી હતા અને ત્યારબાદ તેઓને ખુરશી સાથે બાંધી દીધા હતા. આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યા બાદ પોતાના ઘરે આવી કપડાં બદલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રીક્ષા તેમજ અન્ય વાહનોની મદદથી તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા.
જ્યાં તેઓએ ધર્મશાળામાં શ્રદ્ધાળુ બનીને રોકાણ કર્યું હતું. તેમજ જૂનાગઢથી તેઓ સોમનાથ દર્શન કરવાના હતા ને ત્યાંથી તેઓ પોતાના વતન નેપાળ જવાના હતા. પરંતુ આરોપીઓ જુનાગઢ થી સોમનાથ અને ત્યારબાદ ત્યાંથી નેપાળ નાસી જાય તે પૂર્વે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ પોલીસે ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.SS1MS