ખાનગી હોસ્પિટલના દર પાંચમાંથી ત્રણ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો સરકારી હોસ્પિટલને અપાશે
રજિસ્ટ્રેશન માટે કોઈ ફી નહીં, ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર નહીં પડે
અમદાવાદ, અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી રિટ્રાઈવલ સેન્ટરમાંથી દર બીજી બ્રેઈન ડેડ વ્યક્તિના તમમા અંગોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલને અપાશે.
એટલું જ નહીં પરંતુ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશનમાં ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર નહીં રહે. રજિસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈપણ ઉંમરનો વ્યક્તિ નોંધણી કરાવી શકશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણય અંગે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રિટ્રાઈવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી મળતા અંગોમાંથી દર બીજી વ્યક્તિના તમામ અંગોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે.
હાલની પ્રક્રિયા પ્રમાણે મેડિસીટી કેમ્પસ સિવાયની અન્ય સરકારી હોસ્પિટલમાંથી અંગો પ્રાપ્ત થાય એટલે પાંચમાંથી ત્રણ વ્યક્તિના અંગો સરકારી અને બેના અંગો ખાનગી હોસ્પિટલને અપાય છે. જેના કારણે અત્યારસુધીમાં ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન થતાં તેની ફાળવણી જનરલ પુલમાં દર્દીઓને થતી,
જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલનો સમાવેશ થતો હતો. હવે ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન થતાં પહેલી, ત્રીજી અને પાંચમી વ્યક્તિના અંગ ખાનગીને અને બીજી, ચોથી વ્યક્તિના અંગો સરકારીમાં અપાશે. અંગોના પ્રત્યારોપણમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયાને લઈ સંતુલન જળવાઈ રહેશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરી રાજ્ય સરકારના સોટ્ટો એકમ દ્વારા આ નિર્ણય કરાયો છે.