Western Times News

Gujarati News

એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા ૨૪ વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું.

ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે. અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે.

રાજુલા શહેરમાં મોડી રાતે ૨૩ વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન યુવકને હાર્ટએટેક આવતા મોડી રાતે દોડધામ મચી હતી. ૨૩ વર્ષીય દિનેશ શિયાળને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરેલી જિલ્લામાં નવરાત્રી દરમ્યાન હાર્ટએટેકથી યુવકના મોતની પહેલી ઘટના સામે આવી છે.

હાર્ટ એટેકથી મોતનો બીજાે કિસ્સો બાબરામાંથી આવ્યો છે. જ્યાં બાબરા અમરેલી હાઈવે પર રીક્ષાચાલકને ચાલુ ડ્રાઈવીગ દરમિયાન હાર્ટ એટેક આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. છકડો રીક્ષાચાલકનું હાર્ટ એટેકને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું.

રીક્ષામાં આધેડ પોલભાઈ મુંધવા ઉપરાંત ત્રણ પેસેન્જર પણ સવાર હતા પરંતુ સદનસીબે તેમનો બચાવ થયો હતો. પોલભાઈ રીક્ષા લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો. રીક્ષા ચાલકને ૧૦૮થી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.