લકઝરી બસમાંથી ભાવનગરના ત્રણ શખ્સો દેશી પિસ્તોલ, કારતૂસ સાથે પકડાયા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગળતેશ્વરના મહારાજાના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી લકઝરી બસમાંથી ભાવનગરના ત્રણ ઈસમો દેશી પિસ્તોલ, કારતૂસ અને દેશી તમંચા સાથે પોલીસના હાથે પકડાયા છે. મધ્યપ્રદેશથી લાવી ભાવનગર આ હથિયાર લઈ જવાતા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સેવાલીયા પોલીસના માણસો ગતમોડી રાત્રે ચૂંટણીને અનુલક્ષીને ગળતેશ્વરના મહારાજાના મુવાડા નવી ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમા હાજર હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસને અટકાવી જેમાં ત્રણ પેસેન્જર શંકાસ્પદ લાગતા પોલીસે તેમની તલાસી લીધી હતી. દરમિયાન આ ત્રણેય ઈસમો પાસેથી બે દેશી પિસ્તોલ, કારતૂસ અને એક દેશી તમંચો મળી આવ્યો હતો.
જે બાબતે આ ત્રણેય ઈસમોને પોલીસે બસમાંથી નીચે ઉતારી પુછપરછ આદરી હતી.જેમાં આ ત્રણેય ઈસમોએ પોતાના નામ મજબુતસિહ ઘનશ્યામસિંહ ગોહિલ (રહે.ભડલી, તા.શિહોર, ભાવનગર), નરેશભાઈ ઉર્ફેલ લતિફ નંદરામ જાડેલા (રહે.દેવગાણા, તા.શિહોર, ભાવનગર) અને દિલીપભાઈ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા (રહે.દીહોર, તા.તળાજા, ભાવનગર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ હથિયારો અને કારતૂસ ક્યાંથી લાવ્યા તે દિશામાં પકડાયેલા ત્રણેય આરોપીની પૂછપરછ કરતા આ ત્રણેય આરોપીએ જણાવ્યું કે આ હથિયારો અને કારતુસ મધ્યપ્રદેશના કુક્ષી ખાતેથી સરદાર નામના ઈસમે આપ્યા છે અને અમે ભાવનગર લઈ જતા હતા. પોલીસે ઉપરોક્ત હથિયાર સાથે કારતુસ નંગ ૯ કિંમત રૂપિયા ૬૪,૫૦૦ તેમજ રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૮૪,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.