તળાજાના ફુલસરમાં મોરનાં ઈંડા રાખનાર ત્રણને ત્રણ વર્ષની સજા

ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફુલસર ગામના ત્રણ શખ્સને મોરના ઈંડા ગેરકાયદે રીતે કબ્જામાં રાખવાના કેસમાં તળાજાની એડિશનલ સિવિલ કોર્ટના જજે ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.
તળાજા તાલુકાના ફુલસર ગામે રહેતો ધીરૂ નાનુભાઈ વાઘેલા, વલકુ પુનાભાઈ વાઘેલા અને નીરૂ પુનાભાઈ વાઘેલા નામના શખ્સોએ મોર (માદા)ના પાંચ ઇંડા પોતાના ઘરે લઈ જઈ પાલતું કૂકડીના ઈંડા સાથે રાખી આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરી તેને ખાવાનો બદઈરાદો ધરાવ્યો હતો.
જેથી વન વિભાગના સ્ટાફે જે તે સમયે ત્રણેય શખ્સની ધરપકડ કરી ગત તા.૧૧-૦૯- ૨૦૧૪ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૭૨ની કલમ ૨ (૧૬), ૯, ૨ (૩૬), ૨ (૩૭),૪૦ (૧), ૫૦ (૧) (ખ), (ગ) અને ૫૧ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ તળાજાના એડીશનલ સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એફ.એમ. શેખે મો૨એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના અનુસૂચિ-૧ મુજબનું વન્ય જીવ છે.
ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧ (અ) મુજબ રાષ્ટ્રીય ધરોહરનું કાયદાકીય સંરક્ષણ કરવું એ તમામ નાગરિકની ફરજ છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરવાનો ઈરાદો ધરાવનાર શખ્સોને જો છોડી મુકવામાં આવે તો દેશમાંથી રાષ્ટ્રીય પક્ષી નામશેષ થઈ જશે.
જેથી સમાજમાં દાખલો બેસે અને રાષ્ટ્રીય પક્ષી- વન્ય જીવોનું સંરક્ષણ થાય તે હેતુથી ન્યાયમૂર્તિ ચંદ્રશેખર શર્માએ ત્રણેય આરોપીને ગુનેગાર ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાે હતો.SS1MS