ગાંધીનગરનાં સુઘડ પાસે સેલ્ફી લેવા જતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી કેનાલમાં અપમૃત્યુનાં બનાવો ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે આજે સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાનાં સમાચાર મળતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતું વિદ્યાર્થીઓની કોઈ ભાળ ન મળતા ત્યારે બાદ ફાયર બ્રિગેડે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાં સ્થળે આવી પહોંચી શોધખોળ સઘન બનાવી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગરનાં સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં બપોરનાં સુમારે કેટલાક યુવકો સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ અગમ્ય કારણોસર ત્રણેય યુવકો કેનાલમાં પડ્યા હતા. આ અંગે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ દ્વારા સ્થાનિક તરવૈયાઓને આ અંગેની જાણ કરતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી.
જે બાદ પણ વિદ્યાર્થીઓની કોઈ ભાળ ન મળતા આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધટનાં સ્થળે આવી પહોંચી કેનાલમાં વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઘટનાને પગલે રોડ ઉપર લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેથી થોડા સમય માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કેનાલ તરફ જવાનાં રસ્તાને કોર્ડન કર્યો હતો.