મહેક સિલ્વર ગુટખાના બીલ વગરના માલ ભરેલી ત્રણ ટ્રક ઝડપાઈ
મહેક સિલ્વર ગુટખાના સંચાલકોના કરોડોના ટેક્ષ કૌભાંડની આશંકા-, હજુ એફઆઈઆર નથી થઈ
(એજન્સી)અમદાવાદ, કલોલ-માણસા રોડ પરથી તાજેતરમાં જ મહેક સિલ્વર પાન મસાલા ગુટખા ભરેલી ત્રણ ટ્રકોને ડીજીપીની વિજીલન્સ સ્કવોડે ઝડપી લીધી હતી. જીએસટી બિલ ભર્યા વગરનો રૂા.૭૦ લાખથી વધુના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી લેવાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ એફઆઈઆર નથી. એટલું જ નહી કોઈ કાર્યવાહી કર્યા વગર આરોપીઓને છોડી દેવાયા છે.
આ સંદર્ભમાં પોલીસને એક ખાનગી પત્ર લખી એવી આશંકા વ્યકત કરાઈ છે. કે, ર૦૧૮થી મહેક સીલ્વર ગુટખાનો બિલ વગરનો જથ્થો મોકલવાનું કૌભાંડ ચાલી રહયું છે. ફરીયાદમાં જણાવાયું છે. કે ચાંગોદરની ફેકટરીમાં મહેક સીલ્વર ગુટખાના ઉત્પાદન થાય છે.
તેમજ ત્યાંથી ગુજરાતના વિવિધ શહેરમાં તેમજ અન્ય રાજયમાં માલ મોકલવામાં આવે છે. એક જ પરીવારની માલીકીની ટ્રાન્સપોર્ટ કંપનીચૌધરી રોડ લાઈન્સ, ન્યુ અંબીકા ટ્રાન્સપોર્ટ અને ચૌધરી ટ્રાન્સપોર્ટમાં જ જીએસટી વગરનો માલ મોકલાય છે.
બિલ વગરનો માલ પહોચાડવાનું તેમજ અધિકારીઓને વહીવટ કરવાનું કામ આ ટ્રાન્સપોર્ટેશનના સંચાલકો કરી રહયાં છે. જીએસટી ભર્યા વગરનો જથ્થો સરળતાથી નીકળી રહયો છે. કારણ કે પોલીસ તેમજ જીએસટીના ઉચ્ચ અધિકારીઓને નિયમીત રીતે હપ્તો મળે છે.
જીએસટી સાથેનો માલ હોય તો ટ્રાન્સપોર્ટનું ભાડું માત્ર રપ હજાર હોય છે. પરંતુ બીલ વગરનું એકપણ ટ્રકનું ભાડું બે લાખનું લેવામાં આવે છે. બિલ વગરના માલની રોજની રપથી વધુ ટ્રકોને બહાર કાઢવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં જીએસટીની ૧૦૦૦ કરોડથી વધુની ટેક્ષચોરી થયાની આશંકા સેવાઈ રહી છે. જાે તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક ઉચ્ચ અધિકારીઓને જલની સળીયા ગણવા પડશે.