Western Times News

Gujarati News

ગુજરાતથી અયોધ્યા જવા નીકળેલી ટ્રેન પર પથ્થરમારો

પ્રતિકાત્મક

સુરત, ગઈકાલે સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને પ્લેગઓફ આપવામાં આવ્યું હતું. પરંતું આ ટ્રેનને આગળ જતા મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન જેમ અયોધ્યા તરફ જવા નીકળી હતી, અને નંદુરબાર પહોંચી તો રાતે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો.

આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ડરના માર્યે ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાં દઝનેક પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી ટ્રેન રાતે ૮ વાગ્યે અયોધ્યા જવા આસ્થા ટ્રેન ઉપડી હતી. આ ટ્રેનમાં કુલ ૧૩૪૦ મુસાફરો સવાર હતા. ટ્રેનના મુસાફરો ભોજન કરીને ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે રાતે પોણા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેન નંદુરબાર પહોંચી હતી. અહી ટ્રેન ઉભી રહેતા જ ટ્રેન પર બહારથી પથ્થરો આવવાની શરૂઆત થઈ હતી.

મુસાફરોએ જણાવ્યું કે, બહારથી ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. એક-બે લોકો નહિ, અનેક લોકો ટ્રેન પર પથ્થરો ફેંકી રહ્યા હતા. જેને કારણે મુસાફરો ડરી ગયા હતા. તેઓ દરવાજા અને બારીઓ બંધ કરવાની શરૂઆત કર્યા હતા, છતાં બહારથી અનેક પથ્થરો ફેંકાઈ રહ્યાં હતા.

આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. ઘટનાની જાણ થતાં જ જીઆરપી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ બાદ ટ્રેનને આગળ જવા રવાના કરી હતી. જીઆરપીએ જણાવ્યું કે, અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૨મી જાન્યુઆરીના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બાદમાં રામ લાલાના દર્શન માટે દેશના તમામ લોકોએ દોડ મૂકી છે.

ત્યારે ભક્તો માટે અયોધ્યા સુધી ખાસ આસ્થા ટ્રેન દોડાવાઈ રહી છે. ગઈકાલે સુરતથી પણ અયોધ્યા માટે એક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને સુરતીલાલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેનને લીલીઝંડી આપતા સમયે આખું સુરત રેલ્વે સ્ટેશન રામનામના નામથી ગુંજી ઉઠ્‌યું હતું. સ્ટેશન પર જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.