TIMEની પહેલી ‘કિડ ઓફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ
ન્યૂયોર્કઃ ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવને તેના શાનદાર કાર્ય માટે ટાઇમ મેગેઝિન (TIME Magazine)એ સૌ પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ (Kid of the Year)ના ટાઇટલથી સન્માનિત કરી છે. તે એક મેધાવી યુવા વૈજ્ઞાનિક તથા ઇન્વેન્ટર છે. ગીતાંજલિએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી દૂષિત પેયજળથી લઈને અફીમની લત અને સાઇબર ફ્રોડ જેવા મુદ્દાઓના ઉકેલના મામલામાં શાનદાર કાર્ય કર્યું છે. ટાઇમે કહ્યું કે, આ દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે.
ટાઇમના પ્રથમ Kid of the Year માટે 5000થી વધુ દાવેદારોમાંથી ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. ટાઇમ સ્પેશલ માટે અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા એન્જલીના જોલીએ તેની સાથે ઇન્ટરવ્યૂ કર્યો. ગીતાંજલિએ કોલેરૈડો સ્થિત પોતાના ઘરથી જોલી સાથે ડિજિટલ માધ્યમોથી કરવામાં આવેલી વાતચીત દરમિયાન પોતાની પ્રક્રિયા વિશે જણાવ્યું કે, અવલોકન કરો, વિચારો, રિસર્ચ કરો, નિર્મિત કરો અને તેને દર્શાવો. ટાઈમના જણાવ્યા મુજબ ગીતાંજલિએ કહ્યું કે, દરેક સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ ન કરો, પરંતુ તેની પર ધ્યાન કેન્દ્રીત કરો જે આપને પ્રેરે છે. જો હું આ કરી શકું છું તો કોઈ પણ આ કરી શકે છે.