સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને ટાઈમ્સ બિઝનેસ એવોર્ડથી સન્માનિત કરાયા
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ
સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય: ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
અમદાવાદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિતિ રહ્યા હતાં. જેમાં સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સિનેમા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2003માં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી.
આ વાઇબ્રન્ટ સમિટની સફળતાના કારણે આજે ગુજરાતમાં રોજગારીની તકો વધી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ જ માર્ગે ચાલીને ગુજરાતને ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બનાવ્યું છે. ગુજરાતમાં વધારેમાં વધારે રોજગારીનું ઉત્પાદન થાય તે માટે સરકારે વિવિધ સ્તરની વ્યવસ્થાઓ કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, દુનિયાના પાંચ દેશોમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થાય છે, જેમાં ભારતનું પણ એક આગવું નામ છે અને ભારત દેશમાં ગુજરાત રાજ્ય સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે, તે આપણા સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.
આજે દુનિયા ખુબ ઝડપથી બદલાઈ રહી છે ત્યારે આ 21મી સદીમાં લોકોનો સમય બચે અને લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે, એક જ જગ્યાએ રોજગાર મેળવનાર અને રોજગાર આપનાર સંપર્કમાં આવી શકે તે માટે અનુબંધમ પોર્ટલ પણ કાર્યરત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રે અનેક યોજનાઓ વિકસાવી છે જેનો લાભ આજના યુવાનો લઈ રહ્યા છે અને પોતાના સપનાઓ સાકાર કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચીફ ડેપ્યુટી મેનેજર શ્રી અમરદીપ સાનીધ્ય તેમજ ટાઈમ્સનો અન્ય સ્ટાફ એવોર્ડ વિજેતા મહાનુભાવો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.