TIP અંતર્ગત સામૂહિક મતદાન શપથ, મતદાન જાગૃતિ રેલી, રંગોળી, સિગ્નેચર કેમ્પેઇન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
અમદાવાદના શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે Turn Out Implementation Program (TIP)
વિવિધ વ્યવસાયકારો, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓ, નાગરિકોને મતદાન જાગૃતિ અભિયાનમાં આવરી લેવાયા –વિવિધ જાહેર પરિવહનોમાં યુવા મતદારો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
TIP અંતર્ગત મોટી સંખ્યામાં યુવાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિતના સૌ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવા સાથે લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનાવવાના સક્રિય પ્રયાસો :- સી.એમ.ત્રિવેદી, TIP નોડલ ઓફિસર, અમદાવાદ શહેરી વિસ્તાર
લોકસભા સામાન્ય ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ માટે Turn Out Implementation (TIP) કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ વિસ્તારના મતદારો સુધી પહોંચીને તેમને અવશ્ય મતદાન માટે પ્રેરિત કરવામાં આવે છે.
શિક્ષણ ક્ષેત્રે યુવા મતદારોને સહભાગી બનાવીને મતદાન જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સામૂહિક શપથ કાર્યક્રમ દ્વારા યુવા અને પ્રથમ વખત મતદાન કરી રહેલા વિદ્યાર્થીઓને અવશ્ય મતદાન કરવું તેની સમજૂતી આપીને તેમના માતા પિતાને પણ મતદાન કરવા માટે પ્રેરવા તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા પી આર ટ્રેનિંગ કોલેજ, રાયખડ ખાતે ૭૧૪ જેટલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ડિ એલ.એડ કોલેજ, રાયખડ ખાતે ૧૫૨ જેટલા વિદ્યાર્થીઓને મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને તેમના મતનું મહત્વ સમજાવવા સાથે ૩૨૦૦ મતદાન સંકલ્પ પત્રોનું કલેકશન કરવામાં આવ્યું.
સાથે જ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા SVEEP પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા, મતદાતા સંપર્ક અભિયાન, રંગોળી, સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી પોઈન્ટ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે, જેમાં કુલ ૨૧૧૭ વ્યક્તિઓએ ભાગ લીધેલ છે.
જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અંતર્ગત SVEEP અંતર્ગત સઘન કામગીરી કરવાના હેતુસર અનુદાનિત અને બિનઅનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા. જેમાં ૬૫૦થી વધુ કાર્યવાહકો જોડાયા હતા અને ૧૦૮૮ સંકલ્પ પત્રોનું કલેકશન કરવામાં આવ્યું હતું.
સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ૫૦ ટકા કે તેથી ઓછા મતદારો ધરાવતી ૬૯ સોસાયટીની મુલાકાત લઈને તથા પુરુષ- સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી ૩૬ સોસાયટીની મુલાકાત લઈને મતદાન જાગૃતિ અંગે બેઠક કરીને તેમજ Voter Awareness ફિલ્મ દર્શાવીને મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટે સમજ આપવામાં આવી હતી.
TIP-૨૦૨૪ અંતર્ગત ફૂડ વિભાગના એફ.એસ.ઓ. દ્વારા નિકોલ વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, ફુડ કોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ ટીમ દ્વારા અમદાવાદના BRTS AMTS GSRTC (Ahmedabad Bus Terminal), Double Decker સહિતના વિવિધ જાહેર પરિવહનોમાં તેમજ બસ સ્ટેશન પર કોલેજના યુવા મતદારો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરી વિસ્તારના Turn Out Implementation Program(TIP) ના નોડલ ઓફિસર શ્રી સી.એમ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદના શહેરી વિસ્તારોમાં વિવિધ માધ્યમોમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ હાથ ધરીને મોટી સંખ્યામાં યુવાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિતના સૌ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવા સાથે લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.