યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો: 5 સામે ફરિયાદ
સ્યુસાઈડ નોટ મળી આવતાં પાંચ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઊંઝા, ઉંઝા તાલુકાના ભાંખર ગામના યુવાને પાંચ જેટલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવતાં આરોપીઓની ધરપકડની માંગ સાથે દલિત સમાજના લોકો અને અગ્રણીઓએ પોલીસ સ્ટેશન સંકુલ ખાતે ધરણાં કર્યાં હતા.
જોકે ડીવાયએસપી અને ઉંઝા પોલીસ દ્વારા હૈયાધારણાં આપતાં પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો અને ઉંઝા પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાંખર ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ટીનાભાઈ સોમાભાઈ પરમાર પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભરતભાઈએ કિરણ રાવળ પાસેથી રૂ.૩પ,૦૦૦ લીધા હતા જેમાં એક મહિનાનું ૩,૦૦૦ વ્યાજ આપતા હતા. જેનું સતત પાંચ વર્ષ સુધી વ્યાજ વસુલ્યું હતું તેમજ દિનેશ દેવીપૂજક પાસેથી રૂ.પ૦,૦૦૦નું ત્રણ વર્ષથી રૂ.ર.પ૦૦ વ્યાજ લેતો હતો. તેમજ જાડો જેઓ ઉંઝાનો વતની છે.
તેની પાસી રૂ.૪૦,૦૦૦નું બે વર્ષથી રૂ.૧,૦૦૦ વ્યાજ લીધું હતું આ ઉપરાંત કલ્પેશ સથવારાએ રૂ.ર,૦૦૦નું ત્રણ ટકા વ્યાજ તથા રૂ.ર૦,૦૦૦નું રૂ.૧૦૦ લેખે વ્યાજ લેતા હતા જયારે કમલેશભાઈ ચૌધરીએ રૂ.ર૦,૦૦૦નું રૂ.૧૦૦ લેખે વ્યાજ તેમજ સોનાની વિટી રૂ.ર૦,૦૦૦માં મુકી હતી જેમાં વ્યાજખોરોએ ભરતભાઈ ઉર્ફે ટીનાને વ્યાજની કડક ઉઘરાણી કરતા હતા અને તેને મારવાની ધમકીઓ આપી હતી જેના કારણે એકનું વ્યાજ ભરવામાં બીજા પાસેથી વ્યાજવા પૈસા લીધા હતા.
વ્યાજખોરોના ત્રાસથી પરમાર ભરતભાઈ ઉર્ફે ટીનાએ ઉંઝા રેલવે ફાટક નજીક ટ્રેક ઉપર ઝંપલાવી આપઘાત કર્યો હતો. આત્મહત્યા માટે વ્યાજખોરોને જવાબદાર ગણવા તેવી સ્યુસાઈટ નોટ લખી પોતાની જાતે રેલવે ટ્રેક ઉપર પડતું મુકતા મોત નીપજયું હતું. મૃતક પાસેથી મળી આવેલ સ્યુસાઈડ નોટના આધારે વ્યાજખોરોની ધરપકડની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્ય્ હતો.
તેમજ દલિત અગ્રણીઓ આવી પહોચ્યા હતા અને ધરણા કર્યાં બાદ ધૂળેટીના દિવસે બપોરે પોલીસે હૈયાધારણાં અને તટસ્થ તપાસની ખાતરી આતાં મામલો શાંત પડ્યો હતો અને લાશને સ્વીકારી હતી. આ બનાવ સંદર્ભે ઉંઝા પોલીસે કિરણ રાવળ, દિનેશ દેવીપૂજક, જાડો, કલ્પેશ સથવારા અને કમલેશ ચૌધરી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે હાથ ધરી છે. આ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈએ જણાવ્યું હતું કે, પોલીસે હૈયાધારણ આપતાંલાશ સ્વીકારી હતી. અમારા ભાઈને ન્યાય મળે તેવી માગણી છે.