તિરુપતિ પ્રસાદ વિવાદ: સુપ્રીમ કોર્ટે સીટ બનાવવાની જાહેરાત કરી
(એજન્સી)નવી દિલ્હી, તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે સીટ બનાવવાની જાહેરાત કરી દીધી છે. પાંચ સભ્યોની એક ટીમ બનાવવાની વાત કરી છે. એસઆઈટીની આ ટીમમાં સીબીઆઈ અધિકારીઓથી લઈને ફુડ વિભાગના સભ્યોને સામેલ કરવામાં આવશે. ગત સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારના રાજકારણથી દૂર રહેવામાં આવશે અને બધુ ફોકસ ફક્ત તપાસ પર રહેશે.
એવું કહેવાય છે કે એસઆઈટીમાં બે સીબીઆઈના અધિકારી, બે રાજ્ય સરકારના અધિકારી અને એક ફૂડ વિભાગના સભ્યને રાખવામાં આવશે. આમ તો રાજ્ય સરકારે પણ આ મામલે એસઆઈટીની રચના કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું કે આ મામલો આસ્થા સાથે જોડાયેલો છે અને આવામાં સ્વતંત્ર તપાસ થાય તે જરૂરી છે.
આ કારણે રાજ્ય સરકારની નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીની ટીમ આ મામલે તપાસ કરશે. અત્રે જણાવવાનું કે આ મામલે સુનાવણી જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન અનેક વખતે કોર્ટે કહ્યું કે આસ્થા સંલગ્ન મુદ્દાઓમાં રાજકીય ડ્રામા હોવો જોઈએ નહીં. આ કારણે એસઆઈટી બનાવવામાં આવી પરંતુ તેમાં તમામ પક્ષોના અધિકારીઓને સામેલ કરાયા.