ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

(પ્રતિનિધિ) હાંસોટ, હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. પિતાને સાચું શ્રદ્ધા સુમન અર્પણ કરવાનાં ભાવ સાથે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજવામાં આવ્યું હતું.
ગામનાં વતની હાલ જહાંગીપુરા સુરત સ્થિત શશીકાંતભાઈ છગનભાઈ હજારી તરફથી તેમનાં પિતાશ્રી સ્વ. છગનભાઈ નાથુભાઈ હજારીનાં સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું. તેમણે શાળા પરિવાર સાથે બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. સદર શાળાનાં આચાર્ય રમણભાઈ ચૌહાણે શાળાનાં બાળકો તેમજ સ્ટાફગણ વતી સ્વ.છગનભાઇ હજારીને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી તિથિ ભોજન બદલ તેમનાં પુત્ર સહિત પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.