મ્યૂઝિક ટીચર બનવા અગાઉ શીખેલું ભૂલવું પડ્યુંઃ દિવ્યા દત્તા
મુંબઈ, દિવ્યા દત્તાની ગણતરી બોલિવૂડની એક બહુપ્રતિભાશાળી અને સજ્જ કલાકારમાં થાય છે. રોલ લાંબ હોય કે ટૂંકો પરંતુ એક સીનમાં પણ યાદગાર અભિનય આપવા માટે એ જાણીતી છે.
‘વીરઝારા’થી શરૂ કરીને ‘ભાગ મિલખા ભાગ’ હોય કે પછી ‘સ્પેશિયલ ઓપ્સ’ જેવી ઓટીટી સિરીઝ, તેના પાત્રો યાદગાર હોય છે. તાજેતરમાં આવેલી ‘બંદિશ બેન્ડિટ્સ’ સિરીઝની બીજી સીઝનમાં તેણે એક મ્યુઝિક ટીચરનો રોલ કર્યાે છે. આ અંગે આપેલાં ઇન્ટરવ્યૂમાં દિવ્યાએ પડકારજનક રોલ માટેના તેના અભિગમ અને ફિલ્મોમાં મહિલાઓની છબિ અંગે વાત કરી હતી.
‘બંદિશ બેન્ડિટ્સ’માં પોતાના રોલ વિશે વાત કરતાં દિવ્યાએ જણાવ્યું, “એની પહેલી સીઝન બહુ જ સુંદર અને મજાની હતી. ભારતીય સંગીતને સમર્પિત આ વાર્તા આનંદ તિવારીએ બહુ સારી રીતે કહી હતી.
મને એ બહુ ગમી હતી. તેથી એણે મને જ્યારે બીજી સીઝનમાં કામ કરવા માટે પૂછ્યું તો મેં તરત જ હા પાડી દીધી. એણે મારો રોલ પણ બહુ સુંદર રીતે બનાવ્યો. મને લાગે છે કે શરૂઆતમાં આ રોલ કોઈ પુરુષ પાત્ર માટે લખાયો હતો, પરંતુ તેમને કોઈ અભિનેત્રીને એમાં લેવાની ઇચ્છા હતી.
અમે યોગ્ય સમયે મળ્યા અને વાત કરી અને એ કામ કરી ગઈ. પરંતુ એક વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક ટીચરના રોલ માટે મેં પહેલાં શીખેલું અને જાણેલું ઘણું ભૂલવું પડ્યું હતું પછી એક સંપૂર્ણ અલગ દુનિયામાં મેં ડૂબકી મારી.
આ રોલ બહુ પડકારજનક અને મજાનો હતો.”જ્યારે ફિલ્મોમાં મહિલાઓની છબિ અને ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે દિવ્યાએ જણાવ્યું, “જો મહિલાઓના પાત્રો અને છબિની વાત કરીએ તો ચોક્કસ એક પરિવર્તન આવ્યું છે.
પરંતુ તમે કયા પ્રકારની સ્ટોરી કહો છો, તેના પર પણ આ વાતનો આધાર રહેલો છે, જો આપણે ઓટીટીની વાત કરીએ તો હવે ઘણા સારા પ્રયોગો થઈ રહ્યા છે. જેમકે, તમે લાપતા લેડીઝ જેવી ફિલ્મની વાત કરો કે પછી ઓલ યુ ઇમેજિન ઇઝ લાઇટ, તેમાં મહિલાઓ જ મુખ્ય પાત્રો છે અને આ પાત્રો બહુ સુંદરતાથી લખાયેલાં છે. મહિલાઓને હવે વધુ સારા અને અર્થસભર રોલ કરવા મળે છે.”SS1MS