તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન જીવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી
વન પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગરમીથી બચવા માટે નાગરિકો ઘરમાં પણ એ.સી.નો સહારો લઈ રહ્યાં છે. આપણે સૌએ તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન જીવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. વૃક્ષો અવિરતપણે, વિનામૂલ્યે ઓકિસજન આપે છે. વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ તમામ ધર્મના ધર્મગ્રંથોમાં પણ સમજાવવામાં આવ્યું છે.
તે સમયે આવી કોઈ સમસ્યા નહોતી પરંતું તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં સંશાધનની જરૂરિયાતની સામે વપરાશકર્તા વધશે ત્યારે પર્યાવરણની સમસ્યા વધશે. પર્યાવરણની સમસ્યા વધવાના કારણે દિવસે દિવસે કુદરતી આફતો પણ વધવા લાગી છે. આવી પરિસ્થિતિમાં દરેક નાગરીકે પર્યાવરણ પ્રત્યે પોતાનું વ્યવહાર અને વર્તન બદલવું જરૂરી છે.
કુદરતી આફતોથી થતા નુકસાનખી બચવા માટે દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા પોતાનું મહત્તમ યોગદાન આપવું જોઈએ તો જ આપણે પૃથ્વીને ગરમીથી બચાવી શકીશું. જો આપણે પૃથ્વીને નહિ બચાવીએ તો પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી માનવો જ પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકવા પાછળ જવાબદાર બનશે તેમ,તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ઝાયડસ ગ્રુપ ઓફ કંપનીના ઇ. એસ. જી. એડવાઇઝર શ્રી સુનીલ પારેખે જણાવ્યું હતું કે, આ વર્ષે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટીફિકેશન અને ડ્રોર્ટ રેઝિલીયન્સની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજની જીવનશેલીથી પર્યાવરણને નુકસાનના કારણે વિશ્વએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
COP વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ એ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ના માળખામાં યોજાતી વાર્ષિક પરિષદો છે . તેઓ UNFCCC પક્ષોની ઔપચારિક બેઠક તરીકે સેવા આપે છે તેમ, જણાવી કહ્યું હતું કે,પક્ષકારોની પરિષદ (COP) – આબોહવા પરિવર્તન સાથે વ્યવહાર કરવામાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે યોજાય છે જેમાં પર્યાવરણને કઈ રીતે બચાવી તેનું રક્ષણ કરી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.
GPCB દ્વારા વપરાશ કરેલી પ્લાસ્ટીક બોટલને ક્રશ કરી શકાય તે માટે રીવર્સ વેન્ડીંગ મશીન -બોટલ ક્રશીંગ મશીન બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ધાટન આ પ્રસંગે મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીવર્સ વેન્ડીંગ મશીન છ GSRTCના બસ સ્ટેન્ડ અને એક રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત દિવસ દરમિયાન ‘ડાયમેન્શન ઓફ લેન્ડ ડિગ્રેશન ઇન ગુજરાત‘, ‘ડેઝર્ટિફિકેશન એન્ડ ઇટ્સ મીટીગેશન‘, ‘ડ્રોર્ટ રેઝિલીયન્સ વિથ રિસ્પેક્ટ ટુ ક્લાઇમેટ ચેન્જ‘, ‘પરસ્પેકટીવ ઓફ યુનીસેફ ફોર એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન‘ જેવા વિષય પર આઇ.આઇ.ટી. ગાંધીનગર, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ- દાહોદ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર તથા UNICEFના તજજ્ઞોની ઉપસ્થિત સેમિનાર યોજાયા હતા, જેમાં પર્યાવરણના જતન અંગે સૌએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, શ્રી એ. પી. સિંઘ, શ્રી જયપાલ સિંઘ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી આર. બી. બારડ સહિત વિવિધ મહાનુભાવો, અધિકારી-કર્મચારીશ્રીઓ તથા પર્યાવરણ સાથે જોડાયેલી વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.