કોઈએ આપણા ઉપર કરેલો પ્રેમ અને કરેલા ઉપકારો આખી જીંદગી યાદ રાખવા
કેવી ભાવપૂર્ણતા પ્રભુને ગમે ?
આજે માનવની બુદ્ધિ વધી છે પણ હૃદય સુકાયું છે. ભાવ જીવનનો દુષ્કાળ પડ્યો છે જેના કારણે કુટુંબ, સમાજ, રાષ્ટ્રની એકતા તૂટતી જાય છે. લગ્ન વિચ્છેદ, છુટાછેડા અને ઘરડાઘરમાં રહેતા માતા-પિતા એનો પુરાવો છે, કોઈએ મારા ઉપર કરેલો પ્રેમ અને કરેલા ઉપકારો યાદ કરવા, પ્રભુએ કરેલો આપણા ઉપરનો પ્રેમ અને તેના ઉપકારો યાદ કરતાં મૂર્તિ પૂજામાં મન એકાગ્ર બનતા હૃદય ભીનું બની જાય, પીગળી જાય તેને ભાવ કહે છે.
જીવનમાં હું બનીશ તે ભોગ હું બનાવીશ તે ભાવ, બીજાને પણ, વિદ્વાન, ધનવાન બનાવીશ પિતાનો આ દિકરા માટેનો નાનો ભાવ છે, શ્રેષ્ઠ ભાવ તો હું બધાને પ્રભુના બનાવીશ, જેમ સાસુ કહે ‘મારે ઘરેણાં પહરેવા નથી દીકરીને, વહુને પહેરાવું આ ભાવ છે. પારિવારિકી ભાવ છે દિકરીને સાસરે વળાવતાં માતા-પિતાની આંખમાં આંસુ આવે આ ભાવના આંસુ છે. ભાવના લીધે વ્યક્તિ પુષ્ટ થાય છે મારા સુખે કોઈ સુખી છે. મારા દુઃખે કોઈ દુઃખી છે તેવી રીતની બધાના મનની માંગણી છે, તેથી જીવનમાં ભાવાનંદ જોઈએ.
શકુંતલાને કણ્વ ઋષિ સાસરીયે વિદાય આપે છે જ્ઞાનના હિમાલય છે છતાં તે પ્રસંગે રડે છે અને તપોવના ઝાડવાઓને કહે છે, ‘આપણી શકુંતલા સાસરે જાય છે, ત્યારે ઝાડવા રડે છે, આ દૈવી ભાવ જીવન છે, આ મનની દુર્બળતાના આંસુ નથી. આ વિકસીત થયેલા પુષ્ટ થયેલા ભાવથી ભરેલા, દૈવી વૈભવના આંસુ છે.’
હવે બીજો એક નણંદ, ભોજાઈનો ભાવ પ્રસંગ છે, એક બહેનના ભાઈએ અચાનક ધંધામાં દેવું થતાં પત્નીએ દાગીના પતિને વેચવા આપી દીધા છતાં દેવુ પુરૂ થયું નહિ, ઘરમાં સારું ખાવાનું પણ મળે નહિ તેવી સ્થિતિ થઈ. એક દિવસ બહેન ભાઈના ઘરે આવી નણંદ જોડે ભોજાઈએ ઘરની સ્થિતિની રજે રજની વાત કરી, દુઃખી હૃદયે નણંદ તેના સાસરે ગઈ, આખી રાતના વિચાર કરીને ર્નિણય ઉપર આવી, ભાઈના બનાવેલા બધા જ દાગીના વેચાણ કરી તે પૈસા લઈને પિયરમાં ભોજાઈ જોડે આવી, પૈસા ભરેલી વીસ લાખની બેગ ભોજાઈને આપી કહ્યું ઃ ભાભી આમાં વીસ લાખ રૂપિયા છે, ભાઈએ જ મારા લગ્નમાં આપેલા દાગીના વેચીને લાવી છું તમે સ્વીકારી લો.
આમ કહેતાં રડી પડી. ભાભીએ હૃદય સરખી ચાંપીને નણંદને બાથમાં લઈ કહે છે, તમારા પૈસા તમારા ભાઈ લેશે નહિ. ત્યારે બહેને કહ્યું તે દાગીના ભાઈના જ હતા, ભાઈને આવેલું દુઃખ હું જોઈ શકતી નથી, ભાભી હું તમારું દુઃખ જોઈ શકતી નથી.
ભોજાઈ માટે નણંદે વેચેલા દાગીના આ હૃદયની શ્રીમંતાઈ છે હૃદયનો સાચો વૈભવ આ ભાવ જીવનની સમૃદ્ધિ છે આવા પ્રસંગો વાંચવા અને વાગોળવાથી જીવનમાં ભાવ ‘દ્રવીત’ થાય, હૃદય કોમળ થાય, જીવનો પુષ્ટ થાય તેવા ઘરો બનાવવા માટે વૈદિક શાસ્ત્રીય મૂર્તિપૂજા અને સ્વાધ્યાય જ જરૂરી છે.
તેવો જ બીજો પ્રસંગ છે. પરણેલી છોકરી પિયરમાં આવે, બાપાને હાથ જોડી ‘જયશ્રીકૃષ્ણ’ કહીને બોલે બાપુજી તમે અમારા માટે કેટકેટલા દુઃખો ઉપાડ્યાં હતાં. હવે નિરાંતે બેસો દોડાદોડી ન કરો. અમારા સુખને માટે તમે તમારા શરીરને ઘસી નાખ્યું છે. આ ભાવપૂર્ણ વાણી સાંભળી પિતાની આંખમાં આંસુ આવે, આવા શબ્દો બાપાને સંભળાવવાની યુવાનોને સમજ નથી, ઈચ્છા નથી. પિતાને આવા શબ્દો સાંભળવા છે. તેને ફૂલની માળા નથી જોઈતી પણ તમે મારા માટે ઘણું ઘસાઈ ગયા છો આટલું કહી છોકરો પિતાને પગે લાગે તો લાચારી નથી.
ઉલટાનું બાપનું હૃદય ભરાઈ જાય, શરીરના રોગો મટી જાય, પણ વડીલોને આ ભાવ ન મળતાં, માનસિક અસંતોષથી તનાવપૂર્ણ રહે છે. આ વાત સમજવી રહી – માનવી જીવનમાં ૧/૩ ભાગ ભોગનો છે જ્યારે ૨/૩ ભાગ ભાવ અને વિચાર જીવનનો છે દરેક માણસના મનને ભાવની માંગણી છે આજે છોકરાઓ કહે છે ઃ ‘અમે અમારા માતા-પિતાને ખાવા-પીવા પહેરવા, દવા બધું જ આપીએ છીએ છતાં ટકટક કરે છે. તેમને એ વિચારવું રહ્યું.
ખાવાપીવાનું તો ૧/૩ ભાગ છે પણ ૨/૩ ભાગ ભાવ. પ્રેમની મનની માંગણી આપે છે. બા-બાપુજી જોડે ભાવથી દિવસમાં વીસ મિનિટ બેસો છો, નમસ્કાર કરો છે, વાતોચીતો કરી કંઈ પૂછો છો. તો જવાબ ‘ના’માં મળે છે. સામે પત્ની જોડે બાળકો જોડે કલાકોનાં કલાકો વાતો, ગમ્મતો કરો છો. આ કરો છો તે ખોટું નથી, તેમાં પણ અતિરેક ન થાય, હરખપદુડા, હરખ ઘેલો, પ્રેમ ઘેલા ન થવાય તેની પણ કાળજી રાખવી જોઈએ. મર્યાદાઓ જ માણસને શોભાવે છે.
ગુણવાન બનાવે છે અને તે માટે વૃદ્ધો એ ઘરમાં દીવાદાંડી છે. આપણું સંસારનું વહાણ અથડાય નહિ તેવી રીતના એ ભાવ વૃધ્ધો છે અનુભવ વૃધ્ધો છે જ્ઞાન વૃધ્ધો છે રામ લંકા વિજય કરી જતાં રસ્તામાં ગંધ માર્દન પર્વત ઉપર તેમનો સત્કાર કરતાં ઋષિઓ પૂછે છે ‘રામ તમે અયોધ્યા જશો તો ઘણાં જ આનંદમાં હશો.
ત્યારે રામ જવાબમાં કહે છે, મારા પૂજ્ય પિતાશ્રીને મહેલમાં ન જોતાં મારો આનંદ ખંડીત થશે, હવે મને ‘મારો રામ’ કોણ કહેશે ? આવી રીતનો વૃદ્ધો ઉપર ભાવ રાખી આદર કરીશું તેમના અનુભવે ચાલીશું. આશીર્વાદ લઈશું તો સંસાર સ્વર્ગ બનશે-ઉપર મુજબના પ્રસંગોનું મનન કરીશું તો આપણા બધાનું જીવન પુષ્ટ થશે, સંસાર દૈવી સુગંધમય, પ્રેમમય અને ભાવમય બનશે તેવી ભાવપૂર્ણતા પ્રભુને જરૂર ગમશે.