Western Times News

Gujarati News

આજે દરેક વ્યક્તિને તેનો સ્ટાફ કામ પરિવારના સભ્યની જેમ કરે તેવો જોઈએ છે પણ…

પોતાનું સમજીને કામ કરે તેવા લોકો જ મોકલજો -કોઈ એક વ્યક્તિના એક મહિનો કામ કરવાથી કે તેના વ્યવહારથી આપણે ક્યારેય નક્કી ન કરી શકીએ કે જોબ કરનાર વ્યક્તિ કામની સાથે કામ આપનાર કંપનીને પણ પોતાની સમજે છે કે નહિં ?

શું તમે કોઈના રેઝ્યુમ પરથી નક્કી કરી શકો કે આ વ્યક્તિ કંપનીને પોતાની સમજીને કામ કરશે ? શું તમે કોઈને પૂછી શકો કે તમે ક્યાં જોબ કરો છો ત્યાં પોતાનું સમજીને કામ કરો છો ? આ સવાલો મારા મગજમાં ચાલી રહ્યા હતા કારણ કે આજે બધા જ બિઝનેસ માલિકનું એક સામાન્ય વાક્ય, મેડમ જે કંપનીને પોતાની સમજીને કામ કરે તેવા લોકો શોધીને અમારે ત્યાં મોકલજો જે અમે દરરોજ સાંભળીએ છીએ.

આજે દરેક વ્યક્તિને તેનો સ્ટાફ કામ પરિવારના સભ્યની જેમ કરે તેવો જોઈએ છે અને પરિવારના સભ્યની જેમ કરે તેવો જોઈએ છે અને પરિવારના સભ્યને કામ પર રાખવો નથી. એક એચ આર કન્સલ્ટન્ટ તરીકે દસમાંથી નવ લોકોની ફરિયાદ સાંભળું છું કે પોતાનું સમજીને કામ કરે તેવા લોકો મળતા જ નથી. તો શું ખરેખર લોકો મળતા નથી કે જોબ કરનાર પોતાનું સમજતા નથી ? ખરેખર તો જોબ આપનાર વ્યક્તિએ અમુક બાબતો જે બદલાઈ ચૂકી છે અને બદલાઈ રહી છે તે ખાસ સમજવાની જરૂર છે. આજે મારા અનુભવ પરથી તમારી સાથે અમુક બાબતો શેર કરી રહી છું.

દરેક વ્યવસાયના માલિક અને એચ આર મેનેજરે સર્વ સામાન્ય નિયમો અને માનવીય ગુણો સમજી અને સ્વીકારી લેવાની જરૂર છે. દરેક વ્યક્તિ જ્યારે નોકરી કરે છે ત્યારે તેનો પ્રથમ ઉદ્દેશ્ય અને જરૂરિયાત પૈસા એટલે કે તમે કેટલો પગાર આપો છો તે હોય છે. જે કોઈ જોબ કરે છે તે કામ પોતાને જ કરવાનું છે તેવું સમજીને કરતાં હોય છે પરંતુ કામ કરતાં કરતાં તે કંપનીને પોતાની સમજવી, તેના માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે.

કોઈ એક વ્યક્તિના એક મહિનો કામ કરવાથી કે તેના વ્યવહારથી આપણે ક્યારેય નક્કી ન કરી શકીએ કે જોબ કરનાર વ્યક્તિ કામની સાથે કામ આપનાર કંપનીને પણ પોતાની સમજે છે કે નહિ ? તમે કોઈના ઘરે મહેમાન થઈને રહેવા ગયા હો અને તે વ્યક્તિ તમને તેના ઘરના કિચનમાં જે જવું હોય તે જાતે બનાવી લેવાની છૂટ આપે એટલે તમને એવું લાગે કે આ તો મારા ઘર જેવું છે, ખરુંને, કંઈક એવી જ રીતે જ્યારે વ્યક્તિ નવી જોબ શરૂ કરે છે ત્યારે તેણે સોંપવામાં આવેલ કામ

અને તેની સાથે જોડાયેલ લોકોને સમજે છે. પછી ધીમે ધીમે તે કંપનીના વ્યવહાર અને કલ્ચરને સ્વીકારે છે અને પછી જ્યારે તેણે કામની જવાબદારીની સાથે થોડી ઓથોરીટી, માન-સન્માન, સ્વતંત્રતા વગેરે જેવી છૂટછાટ મળે પછી તેણે કંપની પોતાની છે તેવું સમજવાની ઈચ્છા થઈ શકે છે. લોકોને મન અને વ્યવહારને પારખી ન શકાય પણ તેનો અંદાજ લગાવી શકાય.

દરેક વ્યક્તિ કામ કરે પછી જ તેના વ્યવહાર અને વર્તન પરથી અંદાજ લગાવી શકાય કે તે વ્યક્તિ કામની સાથે કંપનીના ગ્રોથને કેટલું મહત્ત્વ આપે છે. ટૂંકમાં દરેક કંપની માટે માત્ર જોબ આપવાય કે પૂરતો પગાર આપવાથી તમારે ત્યાં કામ કરનાર લોકો તમારી કંપનીને પોતાની નહીં સમજે પરંતુ તમારી કંપનીનો સતત વ્યવહાર, વિકાસની તક અને નિર્ણય લેવાની સ્વતંત્રતા કેવા મળે છે

તેના આધારે તેમની માન્યતા અને વિચારો નક્કી થતાં હોય છે. તમે જે પ્રકારની કામની પ્રામાણિકતા તમારા સ્ટાફ પાસેથી અપેક્ષા રાખો છો તેના બદલામાં કંપની પણ એટલી જ સહકાર આપવા માટે તૈયાર હોવી જોઈએ. જોબ આપનાર અને કરનારનો સંબંધ એક હાથે લેવાનો અને બીજા હાથે આપવાનો છે. અરસપરસ આપીને અને લઈને આગળ વધવાનો ઉદ્દેશ્ય હોય તો જ તમને જોબ કરનાર દરેક વ્યક્તિ કંપનીને પાતાની સમજીને કામ કરશે પણ હા , આ વાતની પરખ રેઝ્યુમ પરથી કે વાતો કરીને નહીં સાથે કામ કરીને જ ખબર પડે છે. તો વિચારો તમે કેવી રીતે લોકોને પારખશો ?

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.