પોલીસ સાથે મળી સર્વ નેતૃત્વના યુવાનોએ ૪૦ ડિગ્રી તાપમાનમાં અનોખી માનવ સેવા બજાવી
છાત્રોનો જીવ બચાવવા પરિણામના દિવસે યુવાનો કેનાલ પર રહ્યા
ગાંધીનગર, ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.૧૦ અને ૧રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તે દિવસથી વિદ્યાર્થીઓનો જીવ બચાવવા નર્મદા કેનાલ પર કેટલાક યુવાનો ખડે પગે રહ્યા હતા.
પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનોએ ૪૦ ડિગ્રી તાપમાનમાં અનોખી માનવ સેવા બજાવી હતી તેમની આ સેવાના પ્રતાપે કેનાલ પર એક પણ અનિચ્છનીય બનાવ ન બનતાં તંત્રએ રાહત અનુભવી હતી.
ગાંધીનગર જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેકટ હેઠળ જીવન આસ્થા હેલ્પલાઈન છેલ્લા ૮ વર્ષથી ચલાવવામાં આવી રહી છે. પ્રોજેકટના લાઈઝેનીંગ ઓફિસર પ્રવીણકુમાર વલેરાના જણાવ્યા અનુસાર ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧ર વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવતા નબળા પરિણામ કે નાપાસ થવાને કારણે એ દિવસો દરમિયાન આત્મહત્યાના બનાવો વધી જતાં હોય છે.
આવા સંજોગોમાં થતા આત્મહત્યાના બનાવના નિવારણ માટે કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઈન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થિઓના સહયોગથી ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમના યુવાનો પોલીસ સ્વયંસેવકો સાથે સવારથી સાંજ સુધી તૈનાત રહ્યાં હતા.