SSG હોસ્પિટલ ખાતે શૌચાલય સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
(માહિતી)વડોદરા, વડોદરા સ્થિત એસ.એસ જી. હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં ૧ વર્ષમાં લગભગ ૨૦ લાખ જેટલા લોકો મુલાકાત લેતા હોય છે.
દર્દીઓ તેમજ તેઓના સંબંધીઓની આટલી મોટી સંખ્યાની અવર જવર હોવાથી પ્રાથમિક, સામાજિક, માળખાકીય સુવિધાઓ અને તેમાંય ખાસ કરીને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બને છે.
હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ, મેનપાવર અને દર્દીઓની વધતી સંખ્યા જેવા પડકારો આજના સમયમાં વધુ જાેવા મળે છે. આ સ્થિતિને જાેતાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રા.લિ. એ ઓ.પી.ડી. વિભાગમાં શૌચાલયનું નવીનીકરણ કરવાનું નક્કી કર્યું હતું કે જ્યાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ હોય છે.
આગળના ૧ વર્ષ માટે પ્રોફેશનલ હાઉસ કીપિંગ એજન્સી દ્વારા શૌચાલયની જાળવણી પણ કરવામાં આવશે તેમજ તમામ ખર્ચ ફાર્મસન કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. જેમાં લગભગ રું. ૩૫ લાખનો ખર્ચ સીએસઆર દ્વારા કરવામાં આવ્યું છે,તેમજ મેન્ટેનેન્સનો ૧ વર્ષ સુધીનો ખર્ચ પણ સીએસઆર ઉઠાવશે.
આ પ્રોજેક્ટ થકી સયાજી હોસ્પિટલમાં એરપોર્ટ શૌચાલય જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવશે જે અત્યાર સુધીનો આવો પ્રથમ પ્રોજેક્ટ કહી શકાય છે. આ એક અનોખી પહેલ છે
જ્યાં પહેલીવાર કંપનીના સી.એસ.આર. ફંડનો ઉપયોગ માત્ર રિનોવેશનમાં જ નહીં પરંતુ સાર્વજનિક હોસ્પિટલના શૌચાલયની જાળવણીમાં પણ કરવામાં આવ્યો છે. આ શૌચાલયનો એક વર્ષમાં અડધા મિલિયન (અંદાજે ૬ લાખ) જેટલા લોકો ઉપયોગ કરી શકશે.
આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત શૌચાલયોનું ઉદ્ધાટન એન. કે. પટેલ, ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રા. લિ. ના ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર પણ હાજર રહ્યા હતા. સયાજી હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ આ અનોખી પહેલથી ખૂબ જ ખુશ હતા.